સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં શ્રીકાર વર્ષા થઈ છે. સર્વત્ર વાવણી લાયક વરસાદ વરસતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ હર્ષની લાગણી વ્યક્ત કરી જિલ્લાના સૌ ખેડૂતોને સારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં ખૂબ સારો વરસાદ વરસતા ડેમો તથા જળાશયો પણ પોતાની છલક સપાટીએ પહોંચી ગયા છે, જેથી આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈ તથા લોકો માટે પાણીની તંગી પણ દૂર થશે. આ બાબતે કૃષિ મંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ બાબતે કૃષિ મંત્રીએ હર્ષની લાગણી સાથે કહ્યું હતું કે, બિપરજોય વાવાઝોડા સમયે થયેલ વરસાદ વેળાએ ખેડૂતોએ કરેલ વાવણી પર હાલ કાચા સોના સમાન વર્ષા થઈ છે. ત્યારે ખરીફ પાકોને પણ ખૂબ જ ફાયદો થશે. શ્રીકાર વર્ષાના કારણે હાલ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જામનગર જિલ્લામાં પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયેલ છે તેમજ ઊંડ-૧ સહિતના મોટા ભાગના ડેમમાં પણ નવા નીરની પુષ્કળ આવક થતા જામનગરના લોકોની પીવાના તથા સિંચાઇના પાણીની સમસ્યા દૂર થશે તેમ જણાવ્યું હતું.