દ્વારકાધીશના જગતમંદિરના શિખર પર આજથી ૧૫ દિવસ સુધી દરરોજ પાંચને બદલે છ ધજાનું આરોહણ કરવામાં આવશે, આ નિર્ણય બાદ ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર આજથી ૧૫ દિવસ સુધી ૫ ને બદલે ૬ ધજા ચડાવવામાં આવશે. બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક ભાવિકોની ધજા મંદિરના શિખર પર ચડાવી શકાઈ નહોતી. એ ભાવિકોની ધજાજી મંગળ સમયે ઠાકોરજીને અર્પણ કરીને શિખર પર લહેરાવવામાં આવશે.
દ્વારકાધીશજીના મંદિરના શિખર પર પાંચ ધજાને બદલે છ ધજાનું આરોહણ કરાશે તેવો નિર્ણય દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો છે. આપને જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરે પહેલા દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ કુલ પાંચ ધજા ચડાવાતી હતી, પરંતુ હવે સવારે મંગળા આરતી સમયે ચાર અને સાંજે બે એમ કુલ ૬ ધજા મંદિરના શિખર પર ચડાવવામાં આવશે.
દ્વારકાધીશની મંગલા આરતી સવારે ૦૭:૩૦ વાગે, શ્રૃંગાર સવારે ૧૦:૩૦ વાગે, ત્યાર બાદ સવારે ૧૧:૩૦ વાગે, તથા સાંજની આરતી ૦૭:૪૫ વાગે અને શયન આરતી ૦૮:૩૦ વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.