રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે ૫ ટ્રક ભરેલી સિરપની ૭૩ હજાર બોટલ પકડી

વિદેશી દારૂ, ચરસ, ડ્રગ્સ અને ગાંજાનાં દૂષણ બાદ હવે આયુર્વેદિક સિરપનું દૂષણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે.

પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે વેચાતા નશીલા પદાર્થને અટકાવવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સૂચના આપતાં રાજકોટ ક્રાઇમની ટીમ દ્વારા બાતમીના આધારે રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સપ્લાય થાય એ પૂર્વે ૫ ટ્રકમાં ૭૩,૨૭૫ બોટલ સિરપ, કુલ મળી ૭૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી FSL તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં અલગ અલગ પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા પદાર્થનું યુવાનો સેવન કરતા હોવાની ફરિયાદ મળતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા આ દૂષણ અટકાવવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસને સૂચના આપી હતી. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બીટી ગોહિલ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી. એ મુજબ રાજકોટ શહેરમાં આયુર્વેદિક સિરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે, માટે વોચ ગોઠવી એકસાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલી ૫ ટ્રક મળી છે. પોલીસે એને અટકાવી તલાસી લેતાં અલગ અલગ ૬ જેટલી બ્રાન્ડની ૭૩,૨૭૫ સિરપની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૭૩.૨૭ લાખ જેટલી થાય છે.

પોલીસે હાલ આ સિરપમાં આલ્કોહોલનું પ્રમાણ છે કે કેમ એની ખરાઈ કરવા માટે સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે અને એની સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની પણ મદદ લેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી બાજુ, સિરપનો આ જથ્થો ક્યાંથી રાજકોટમાં આવ્યો છે, કોણ લાવ્યું છે, કોને આપવાનો હતો,એ સહિતની દિશામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *