હાઈકોર્ટ રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો

મોદી સરનેમના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની સજા અંગે આજે નિર્ણય આવી ગયો છે. ૨૩ માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

મોદી સરનેમ ના નિવેદન પર માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટ તરફથી આંચકો મળ્યો છે. કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો.  રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગણી કરતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રિચ્છકની બેન્ચ સવારે ૧૧:૦૦ વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. રાહુલની અરજી પર જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે મે મહિનામાં સુનાવણી દરમિયાન વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે તેઓ આ મામલે સીધો અંતિમ આદેશ જારી કરશે.

વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ ૨૩ માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

CJM કોર્ટના આ ચુકાદાને તેમણે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ૩ એપ્રિલે સુરત આવ્યા હતા. તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી હતી. તેમના દ્વારા નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ ૧૩ એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે ૫ કલાક સુધી દલીલો થઇ હતી. જ્યારે ૨૦ એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *