લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં, પાર્ટીએ દેશને ત્રણ પ્રદેશોમાં વહેંચી દીધો અને બેઠકોનું આયોજન શરૂ કર્યું.

લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. વાત જાણે એમ છે કે, લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનના તમામ ભાગોને સજ્જડ કરવા માંગે છે. આ કવાયતમાં પાર્ટીએ દેશને ત્રણ પ્રદેશોમાં વહેંચી દીધો છે અને બેઠકોનું આયોજન શરૂ કર્યું છે. આ દરમિયાન આજે દિલ્હીમાં એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.

જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ અને દમણ દીવ-દાદરા નગર હવેલી તેમજ તમામ કેન્દ્રીય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં તમામ રાજ્યોના સંગઠનની ચર્ચા કરવા સાથે રાજ્યોની સ્થાનિક ચૂંટણીના મુદ્દાઓ પર પણ રણનીતિ ઘડવામાં આવી છે.

આજની બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે બૂથ સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બૂથ સશક્તિકરણને લગતા ચાર મુખ્ય મુદ્દાઓ પર ઊંડું મંથન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાતની ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ દ્વારા જીતના આંકડાનો ઈતિહાસ રચનાર સી.આર.પાટીલે ગુજરાતની જીત માટે બૂથને કેવી રીતે મજબૂત બનાવવું તે અંગે વક્તવ્ય આપ્યું હતું. આ સાથે ભાજપે લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને નિમ્ન સ્તરે જઈને મેનેજ કરવા માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *