રેલવે બોર્ડે શનિવારે ખુશખબર આપતાં વંદે ભારત સહિત તમામ ટ્રેનોની એસી ચેર કાર, એક્ઝિક્યુટીવ શ્રેણીના ભાડામાં ૨૫ % ઘટાડાની જાહેરાત કરી છે.
રેલવે બોર્ડે ભાડા ઘટાડાનું એલાન કરી નાખ્યું છે. રેલવે બોર્ડે એક આદેશમાં કહ્યું છે કે વંદે ભારત અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ ધરાવતી તમામ ટ્રેનોમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં મુસાફરોની સંખ્યાના આધારે ૨૫ % સુધીનો ઘટાડો કરવામાં આવશે. આદેશ અનુસાર ભાડામાં છૂટ પરિવહનના સ્પર્ધાત્મક માધ્યમોના ભાડા પર પણ નિર્ભર રહેશે. રેલવે સેવાઓના મહત્તમ ઉપયોગને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે રેલવે ડિવિઝનના પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર્સને એસી-સીટર ટ્રેનોના ભાડામાં સબસિડી આપવાનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે.
રેલવે બોર્ડના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “આ યોજના અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત તમામ એસી સીટર ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે.” “બેઝિક ભાડા પર આ છૂટ મહત્તમ ૨૫ % સુધી હોઈ શકે છે. રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ સરચાર્જ, જીએસટી જેવા અન્ય ચાર્જ અલગથી લઈ શકાય છે. મુસાફરોની સંખ્યાના આધારે કોઈપણ કેટેગરી અથવા તમામ કેટેગરીમાં છૂટછાટ આપી શકાય છે.
છેલ્લા ૩૦ દિવસ દરમિયાન ૫૦ % થી ઓછી વ્યવસાયવાળી કેટેગરીઓ પર વિચાર કરવામાં આવી શકે છે. ભાડામાં છૂટછાટો અંગે નિર્ણય લેતી વખતે, પરિવહનના સ્પર્ધાત્મક માધ્યમોના ભાડાને ધ્યાનમાં લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “કન્સેશન વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. જે મુસાફરોએ પહેલેથી જ બેઠકો બુક કરાવી લીધી છે, તેમને ભાડુ પરત કરવામાં આવશે નહીં. જે ટ્રેનોમાં ચોક્કસ વર્ગમાં ભાડા વધારા/ઘટાડાની વ્યવસ્થા લાગુ કરવામાં આવે છે અને મુસાફરોની સંખ્યા ઓછી હોય છે, ત્યાં મુસાફરોની સંખ્યા વધારવાની કવાયત તરીકે આ યોજના પ્રારંભિક તબક્કામાં પાછી ખેંચી શકાય છે. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજના રજાઓ અથવા તહેવારની મોસમ દરમિયાન ચાલતી વિશેષ ટ્રેનો પર લાગુ નહીં થાય.