ગુજરાતમાં ૨૪ જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશમંત્રી એસ. જયશંકરે ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારીપત્ર ભર્યું છે. વિદેશમંત્રી એસ. જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત વિધાનસભા ખાતે આવી પહોંચ્યા હતા. તેમણે ૧૨:૩૯ વાગ્યે વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું, એ સમયે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રત્યેક ઉમેદવારને ૬૦.૬૬ મત, એટલે કે ૬૨ મતની જરૂરિયાત છે. ભાજપના ઉમેદવારને જીત મેળવવા માટે ભાજપના ૫૨ ધારાસભ્યના મતની જરૂરિયાત છે. બીજી તરફ, કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર ૧૭ છે, ત્યારે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભા નથી રાખવાના એવા સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે તારીખ ૧૪ જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે, ત્યારે ભાજપ તરફથી એક ઉમેદવારે આજે ઉમેદવારી નોંધાવી છે. હજુ પણ ભાજપના અન્ય બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે, ત્યારે હર હંમેશની જેમ આ વખતે પણ આ અન્ય બે ઉમેદવારો કોણ હશે એ સસ્પેન્સ યથાવત્ રાખ્યું છે.
ગુજરાતના વિધાનસભાનાં પરિણામોના આધારે ભાજપને ત્યારે ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન ૨૦૨૬ માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. એમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે. ભાજપ ૨૦૨૬ માં થોડી મહેનત કરીને આ ચારેય બેઠકો હાંસલ કરી શકે છે. આમ, રાજ્યની તમામ ૧૧ રાજ્યસભા બેઠક માટે ભાજપે ૨૦૨૬ સુધી રાહ જોવી પડશે.
ગુજરાતના રાજ્યસભા સાંસદ
રાજ્યસભા સભ્યો | નિમણૂક | નિવૃત્તિ |
એસ. જયશંકર (ભાજપ) | ૬ જુલાઈ, ૨૦૧૯ | ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ |
જુગલજી માથુરજી ઠાકોર (ભાજપ) | ૬ જુલાઈ, ૨૦૧૯ | ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ |
દિનેશચંદ્ર અનાવાડિયા (ભાજપ) | ૨૨ ફેબ્રુ., ૨૦૨૧ | ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ |
પુરુષોત્તમ રૂપાલા (ભાજપ) | ૩ એપ્રિલ, ૨૦૧૮ | ૨ એપ્રિલ, ૨૦૨૪ |
મનસુખ માંડવિયા (ભાજપ) | ૩ એપ્રિલ, ૨૦૧૮ | ૨ એપ્રિલ, ૨૦૨૪ |
અમી યાજ્ઞિક (કોંગ્રેસ) | ૩ એપ્રિલ, ૨૦૧૮ | ૨ એપ્રિલ, ૨૦૨૪ |
નારણભાઇ રાઠવા (કોંગ્રેસ) | ૩ એપ્રિલ, ૨૦૧૮ | ૨ એપ્રિલ, ૨૦૨૪ |
રામભાઇ મોકરિયા (ભાજપ) | ૨૨ ફેબ્રુ., ૨૦૨૧ | ૨૧ જૂન, ૨૦૨૬ |
રમીલાબહેન બારા (ભાજપ) | ૨૨ જૂન, ૨૦૨૦ | ૨૧ જૂન, ૨૦૨૬ |
નરહરિ અમીન (ભાજપ) | ૨૨ જૂન, ૨૦૨૦ | ૨૧ જૂન, ૨૦૨૬ |
શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ) | ૨૨ જૂન, ૨૦૨૦ | ૨૧ જૂન, ૨૦૨૬ |
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠક છે, જે ત્રણેય ભાજપ પાસે છે. વર્ષ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને કોઈ નુકસાન નથી, પરંતુ એપ્રિલ ૨૦૨૪ માં હિમાચલથી હાલના સાંસદ અને ભાજપ-અધ્યક્ષ જે.પી. નડ્ડા નિવૃત્ત થશે. ભાજપ માટે તેમને ફરી હિમાચલથી રાજ્યસભામાં મોકલવા શક્ય નહીં હોય, કારણ કે હાલ હિમાચલમાં કોંગ્રેસ પાસે ભાજપથી વધુ બેઠકો છે. તેથી તેમને કોઈ બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં મોકલવા પડે એવી સ્થિતિ છે.
૨૦૨૪ પછી નડ્ડા બીજા રાજ્યમાંથી રાજ્યસભામાં જઈ શકે
રાજ્યસભા સભ્યો | નિમણૂક | નિવૃત્તિ |
જે.પી. નડ્ડા (ભાજપ) | ૩ એપ્રિલ, ૨૦૧૮ | ૨ એપ્રિલ, ૨૦૨૪ |
ઇન્દુ ગોસ્વામી (ભાજપ) | ૧૦ એપ્રિલ, ૨૦૨૦ | ૯ એપ્રિલ, ૨૦૨૬ |
સિકંદર કુમાર (ભાજપ) | ૩ એપ્રિલ, ૨૦૨૨ | ૨ એપ્રિલ, ૨૦૨૮ |