સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૧૫મી જુલાઈના રોજ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસે યુવાનોને કૌશલ્ય વિકાસ થકી કઈ રીતે આત્મનિર્ભર બની શકાય તે દિશામાં જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતા ભારત દેશના દરેક યુવાનને રોજગારીની સમાન તકો મળે તે માટે પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનથી દેશમાં કૌશલ્ય વિકાસ મિશન ચાલી રહ્યું છે. ગુજરાતના યુવાનો પણ કૌશલ્ય વિકાસ થકી સ્વનિર્ભર બની શકે તે માટે રાજ્ય સરકાર કૌશલ્ય વર્ધન પર ભાર મૂક્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આપણી આસપાસ અને જીવન જરૂરિયાતોમાં આપણે ૫૦૦થી વધુ કૌશલ્યોની સેવા લઈએ છે.
પ્રવર્તમાન યુગમાં નવી ટેકનોલોજી આધારિત નવા ક્ષેત્રોમાં તેના અનુરૂપ કૌશલ્ય ધરાવતા યુવાનોની માંગ વધી છે. જેને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧માં ‘કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી’ની સ્થાપના કરાઈ હતી. આ યુનિવર્સિટીમાં યુવાનો માટે નવી ટેકનોલોજી આધારિત ૬ વિદ્યાશાખાઓ હેઠળ સ્નાતક કક્ષાના ૧૧, અનુસ્નાતક કક્ષાનો ૧ અનુસ્નાતક ડિપ્લોમા કક્ષાના ૧૮, ડિપ્લોમા કક્ષાના ૨૨, એડવાન્સ ડિપ્લોમા કક્ષાના ૫ અને સર્ટિફિકેટ કક્ષાના ૩૦ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ડ્રોન, સ્કૂલ ઓફ સાયન્સ, મેન્યુફેક્ચરીંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રાક્ચર, સ્કૂલ ઓફ સર્વિસીસ, સ્કૂલ ઓફ લીબરલ આર્ટ્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફાઇનાન્સ તેમજ સ્કૂલ ઓફ કોમ્પ્યુટીંગ વિદ્યા શાખા હેઠળ કુલ ૮૭ કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં અત્યારે ૮,૨૭૦ જેટલા તાલીમાર્થીઓ સ્વરુચિ મુજબ વિવિધ પ્રકારના ઉદ્યોગોની તેમજ નવી ટેકનોલોજી આધારિત કોર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે આશરે ૨,૬૭૦ જેટલા વિદ્યાર્થીઓ અત્યારસુધીમાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા ઉજાગર કરી રહ્યા છે.
ટેકનોલોજી એ દેશનું વિકસી રહેલું ક્ષેત્ર છે, જેમાં વિપુલ માત્રામાં સંભાવનાઓ રહેલી છે. રાજ્ય સરકારે આવી અનેક સંભાવનાઓને પ્રોત્સાહન આપવા ડ્રોન પાયલટ ટ્રેનિંગ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ, ડ્રોન પ્રોગ્રામિંગ જેવા નવા અભ્યાસક્રમો શરુ કરીને રાજ્યના ઉદ્યોગો અને રોજગારી વચ્ચે સેતુબંધ બાંધ્યો છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે ગુજરાતે નવા ક્ષેત્રોમાં સ્કિલ્ડ મેનપાવરની અછતને દૂર કરવા અને સમયાનુકુલ અભ્યાસક્રમો શરુ કરવાની દિશામાં અન્ય રાજ્યોને રાહ ચીંધી છે.