વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની મુલાકાત ભારતીઓને ફળી છે. હવે ફ્રાન્સમાં પણ ભારતનું UPI ચાલશે. તે મામલે મોટી ડીલ થયા બાદ હવે ભારતીય પ્રવાસીઓને કરન્સી બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સની મુલાકાતે છે. આ દરમિયાન પ્રવાસના પહેલા જ દિવસે મોટી સફળતા મળી છે. જેમાં હવે ફ્રાન્સમાં પણ ભારતનું UPI ચાલશે! પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે આ મોટી ડીલ થઈ હતી. જેનો ફાયદો હવે ભારતીય પ્રવાસીઓને થશે. પરિણામે ફ્રાન્સમાં ભારતીય રૂપિયામાં ચુકવણું કરી શકશે. મહત્વનું છે કે યુપીઆઈ મામલે ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી સફળતા ગણવામાં આવી રહી છે. તો બીજી બાજુ ફ્રાન્સ ભારતીય યુપીઆઈ લોન્ચ કરનાર યુરોપનો પહેલો દેશ બની ગયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ મુલાકાતને લઈને એક બાજુ સમગ્ર વિશ્વના લોકોની મીટ આ મુલાકાત પર મંડાયેલી છે. ત્યારે પહેલા જ દિવસે આ જબરી સફળતા મળી જતા દુનિયામાં દેશનો ડંકો વાગ્યો છે. ખાસ વાત એ પણ છે કે આઈએમએફથી લઈને વિશ્વની ઘણી મોટા ગજાની બેંકોએ ભારતની ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા UPIના મુક્ત મને વખાણ કરીને વિશ્વના અન્ય દેશોને ભારત પાસેથી શીખ મેળવવા માટે પણ કહ્યું હતું. આ ઉપરાંત ફ્રાન્સની મુલાકાત વેળાએ પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે હજુ પણ મહત્વપૂર્ણ કરાર થાય તેવું જણાઈ રહ્યું છે. યુપીઆઈની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૩ મહત્વનું બની ગયું છે કારણ કે આ વર્ષે સિંગાપોરના યુપીઆઈ અને paynow એ પણ એક સોદો કર્યો છે. જેથી કોઈપણ દેશના વપરાશ કરતાં ક્રોસ બોર્ડર ટ્રાન્જેક્શન માટે યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે.
ફાયદા અંગે વાત કરવામાં આવે તો ફ્રાન્સમાં ભારતીય યુપીઆઈની મંજૂરીનો સીધો ફાયદો ભારતમાંથી ફ્રાન્સ પ્રવાસે જતા લોકોને થશે.એટલે કે હવે પેરિસ કે એફિલ ટાવર જોવા જતા ભારતીય નાગરિકોને ચલણ બદલાવાની જરૂર નથી તેઓ સીધા યુપીઆઈ દ્વારા ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર અને કરન્સી એક્સચેન્જ કરાવ્યાની ઝંઝટ વગર જ આસાનીથી ચુકવણું કરી શકશે. બીજી બાજુ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ પણ વધશે. જેથી દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે.