ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે.
ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા.
જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ પણ કોંગ્રેસે કોઇ ઉમેદવારના નામ જાહેર ન કરતા ભાજપના ત્રણેય ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ પણ ભર્યા હતા. જે પરત ખેંચવામાં આવ્યા છે.
ભાજપ તરફથી રજની પટેલ, રમેશ હુંબલ અને પ્રેરક શાહ એ ડમી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. હવે આગામી ૨૦મી જુલાઇએ રાજ્યસભાનું સત્ર શરુ થતા ડૉ.એસ જયશંકર, બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિંહ ઝાલા શપથ લેશે.