સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. શેત્રુંજી ડેમ ૮૦ % ભરાયો, જ્યારે ઉકાઈ ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ
રાજ્યમાં સારા વરસાદને પગલે જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. જેથી જળાશોયોમાં ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ૮૦ % ભરાયો છે.ડેમની હાલની સપાટી ૩૦.૭ ફુટ છે.ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં ડેમમાંથી પાણી છોડવાની સંભવનાને લઈ તળાજા અને પાણીતાણાના ૧૭ ગામોને અલર્ટ કરાયા છે. તેમજ નદી કાંઠે કે પટ્ટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
તો દક્ષીણ ગુજરાતમાં પણ વરસાદથી જળાસયોમાં પાણીની આવક થઈ રહી છે. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ડેમની સપાટી હાલ ૩૧૪.૧૩ ફૂટ પર પહોંચી છે. સામાન્ય રીતે ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચોમાસુ સપ્ટેમ્બર માસ સુધી સક્રિય રહેતું હોય છે, જેને પગલે આગામી દિવસોમાં સતત પાણીનો પ્રવાહ આવતો રહેશે. જેને પગલે ડેમની સંપૂર્ણ સપાટી ૩૪૫ ફૂટ સુધી ભરાઈ જશે.જેથી આગામી એક વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના લોકોની સિંચાઈ સહિત પીવાની પાણીની જરૂરિયાત સંતોષાશે.