પીએમ નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ૨૭ જુલાઈના રોજ પીએમ મોદીના હસ્તે રાજકોટના હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન રાજકોટનું હીરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે. હીરાસર એરપોર્ટના લોકાર્પણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ૨૭ જુલાઈના રોજ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કલેક્ટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
હીરાસર એરપોર્ટના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એરપોર્ટ પર જેટલા કામ બાકી છે તે DGCA (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)ના ઓબ્ઝર્વેશન હેઠળ પૂરા કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લું મુકવામાં આવશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને ૧૦૩૨ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં ૧૪ પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તાર ૨૩ હજાર ચોરસ મીટરનો છે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ ૩.૪ કિમી છે.