વ્રત અને તહેવારોની સિઝન શરૂ થતાં જ ફ્રૂટ્સના ભાવ આસમાને પહોંચી ગયા છે. વધતી જતી મોંઘવારીને લઈને મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા રીતસર ત્રાહિમામ્ પોકારી ગઈ છે. શાકભાજી બાદ હવે ફ્રૂટ્સના ભાવમાં પણ વધારો થતાં હવે અધિક અને ત્યાર પછીના શ્રાવણ માસમાં પણ ભક્તોને ભક્તિ અને ઉપવાસ કરવા મોંઘા પડશે. આગામી બે મહિના ફળોની માગ વધેલી રહેવાના કારણે ભાવમાં ઘટાડો નહીં થાય તેની ભક્તોએ તૈયારી રાખવી પડશે.
બજારમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવો વધ્યા બાદ હવે આદું રિટેલમાં ૨૬૦ રૂપિયે કિલોના ભાવે મળી રહ્યું છે. મરચાંના એક કિલોના ભાવ રૂ.૧૦૦, ડુંગળીના રૂ.૭૫, લસણના રૂ.૨૦૦ અને ફણસીના રૂ.૨૫૦ રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. હાલ તમામ ફ્રૂટ્સના ભાવમાં ૨૦થી ૫૦ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે. બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદને લઈને સફરજનના ભાવ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે હાલ સફરજનની આવક બંધ હોવાના કારણે તેના ભાવમાં બમ્પર વધારો જોવા મળી રહ્યો છે. વધતા જતા ફ્રૂટ્સના ભાવને લઈને ગ્રાહકો પર પણ માઠી અસર પડી છે.
સફરજનનો પાક હિમાચલ અને કાશ્મીરમાં વધારે થતો હોય છે. જ્યાં વરસાદના પગલે ૪૦થી ૫૦ % પાક ઓછો થવાને કારણે ગત વર્ષ કરતાં ભાવમાં ૨૫થી ૩૦ % ભાવમાં વધારો થયો છે. વિદેશથી આવતાં સફરજનની ૧૮ અને ૨૦ કિલો પેટીના ભાવ રૂ.૩,૦૦૦ થી રૂ.૩,૫૦૦ ના બદલે રૂ.૪,૫૦૦ ચાલી રહ્યા છે. વિદેશથી આવતાં કિવી ફળ રૂ.૨૦૦થી ૩૦૦ અને ચેરી રૂ.૩૦૦થી ૪૦૦ હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો છે. લોકલ માર્કેટના પૈપયાં, ચીકુ, કેળાં, તરબૂચના ભાવ ૫૦ % વધ્યા છે.
ફ્રૂટ | હોલસેલ ભાવ | છૂટક ભાવ |
સફરજન | ૯૦થી ૧૦૦ | ૩૬૦થી ૪૦૦ |
સફરજન વિદેશી | ૧૫૦થી ૧૭૦ | ૪૮૦થી ૫૦૦ |
લંગડો કેરી | ૮૦થી ૧૦૦ | ૧૨૦થી ૧૭૦ |
દશેરી કેરી | ૫૦થી ૬૦ | ૧૦૦થી ૧૨૦ |
કેસર કેરી | ૫૦થી ૬૦ | ૯૦થી ૧૨૦ |
કિવી | ૨૦૦થી ૩૦૦ | ૪૫૦થી ૪૮૦ |
ચેરી | ૩૦૦થી ૪૦૦ | ૪૮૦થી ૫૦૦ |
મોસંબી | ૬૦થી ૭૦ | ૧૦૦થી ૧૩૦ |