રાજ્યમાં ભારે વરસાદને લઈ કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્ણાણ થયુ છે. જેને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રવિવારે રાત્રે ગાંધીનગર ખાતે વિવિધ જિલ્લાના કલેક્ટર સાથે ઈમરજન્સી બેઠક યોજી હતી. જેમાં વરસાદની સ્થિતિને લઈ સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને લઈ વિવિધ જિલ્લાની સ્થિતિને લઈ રવિવારે મોડી રાત્રે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદની પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા કરી હતી.તેમજ તકેદારીના ભાગ રૂપે તમામ સાવચેતીના પગલા લેવા સૂચનો કર્યા હતા.રાહત કમિશ્નર આલોક પાંડેએ સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે.ભારે વરસાદના કારણે પોરબંદર અને કચ્છના બે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦ સ્ટેટ હાઈવે ઓવર ટોપિંગના કારણે અને ૨૭૧ પંચાયત હસ્તકના રોડ સહિત કુલ ૩૦૨ રોડ બંધ છે. આગામી સમયમાં પાણી ઓછું થવાથી શરૂ થઈ જશે.
તેમજ રાહત અને બચાવ કામગીરીને લઈ રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યુ હતુ કે, ૨૨ તારીખ રવિવારના રોજ કુલ ૭૩૬ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે..વધુમાં તેમણે કહ્યું હતું કે,જૂનાગઢ વલસાડ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની મોટી આવક થઇ છે. જેમાં નર્મદા ડેમ ૬૭ ટકા, જ્યારે ૪૬ ડેમો સંપૂર્ણ ભરાયા ચૂક્યા છે . NDRF, SDRF કુલ નવ ટીમો ભારે વરસાદવાળા જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.
આમાં NDRF અને SDRF બે- બે ટીમ જૂનાગઢમાં રાહત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે ૩૫૮ લોકોના રેસ્ક્યુ કરાયા છે. માર્ગ અને મકાન વિભાગ સહિતના અન્ય વિભાગો સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે બપોર સુધીમાં ગીરસોમનાથ, જૂનાગઢ કચ્છ ,પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે. આવા સમયે બિન જરૂરી બહાર ન નીકળવા અને પોતાના ઘરે જ રહેવા કમિશનર આલોક પાંડેએ નાગરિકોને અપિલ કરી હતી.