અમદાવાદમાં જળબંબાકારની સર્જાઈ સ્થિતિ

અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે અનેક વાહનો બંધ થઈ જતાં લોકો રસ્તા પર જ પોતાના વાહનો આડેધડ મૂકીને ચાલ્યા ગયા હતા.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો. જે બાદ શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ચારેકોર પાણી-પાણી કરી નાખ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૬.૫. ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં ૬.૫ ઈંચ, દક્ષિણ વિસ્તારમાં ૬.૫ ઈંચ, મધ્ય વિસ્તારમાં ૬.૫ ઈંચ, નવા પશ્ચિમ વિસ્તારમાં સવા ૬ ઈંચ, પશ્ચિમ વિસ્તારમાં ૬ ઈંચ, ઉત્તર વિસ્તારમાં પોણા ૬ ઈંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ૬ અંડરપાસ બંધ કરાયા છે. વાસણા બેરેજના ૧૨ દરવાજા ખોલાયા છે. ૩૩,૬૬૦ ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. જે બાદ  વાસણા બેરેજના નીચણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.

અમદાવાદ શહેરમાં મુશળધાર વરસાદ પગલે જનજીવન પર ભારે અસર પડી છે. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે અનેક વાહનો બંધ થઈ જતા લોકો રસ્તા પર જ પોતાના વાહનો આડેધડ મુકીને જતા રહ્યા હતા. તો વરસાદમાં ફસાયેલા કેટલાક લોકો પણ પોતાના વાહનો રસ્તા પર મૂકીને ચાલ્યા ગયા હતા. હાલ AEC બ્રિજ પર વાહનોની લાંબી કતાર જોવા મળી  રહી છે. માણેકબાગ પાસે મોટી સંખ્યામાં બંધ હાલતમાં વાહનો જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ઉતર્યા બાદ વાહનમાલિકો પોત-પોતાના વાહન લેવા માટે પહોંચી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *