રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઇંગનું થયું લેન્ડિંગ, પ્રધાનમંત્રી ૨૭ જૂલાઈના રોજ કરશે એરપોર્ટનું લોકાર્પણ

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઈંગનું લેન્ડિંગ થયું હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૭ જૂલાઈના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રાજકોટના હીરાસરમાં બનેલ સૌરાષ્ટ્રના પ્રથમ ઇન્ટરનેશન એરપોર્ટનું આગામી તારીખ ૨૭ જુલાઇના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.હીરાસર એરપોર્ટ ઉપર લોકાર્પણની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પ્રથમવાર એરફોર્સનાં બોઇંગનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.૧૪૦૫ કરોડના ખર્ચે બનેલ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફેઝ – ૧નું કામ પૂર્ણ થઈ ગયું છે. હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે આ એરપોર્ટમાં રાજ્યનો સૌથી મોટો ૩૦૪૦ મીટરનો રનવે સાથે અનેક આધુનિક સુવિધાઓ છે અને આ એરપોર્ટ એરબસ A૩૨૦ અને એરબસ A૩૨૧ પ્રકારના મોટા એરક્રાફ્ટ હેન્ડલ કરવા સક્ષમ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૭ જૂલાઈના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટના એરપોર્ટનું નામ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યુ છે. એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને વિવિધ કલાકૃતિ દ્વારા સજ્જ કરી દેવામાં આવ્યુ છે. ટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ છે.

પ્રધાનમંત્રી દ્વારા ૨૭ જૂલાઈના રોજ લોકાર્પણ કર્યા બાદ સૌરાષ્ટ્રના લોકોને હવાઈ મુસાફરી માટે અન્ય દૂરના સ્થળે જવાની જરૂર નહી રહે. ઘર આંગણે તેમને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ મળી રહેશે. તેમજ એરપોર્ટના કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રના પ્રસાર, વિસ્તાર અને વિકાસ માટે આ એરપોર્ટ મહત્વની ભૂમીકા ભજવશે.

હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે ૩૦ કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-૨૭ નજીક હિરાસર ગામ પાસે ૧૪૦૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે.

સમગ્ર એરપોર્ટ સંકુલ ૧૦૨૫.૫૦ હેક્ટર (૨૫૩૪ એકર)માં ફેલાયેલું છે, જેમાં ૧૫૦૦ એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ  ૩૦૪૦ મીટર (૩.૦૪ કિ.મી) લાંબો અને ૪૫ મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે ૧૪ વિમાનો પાર્ક થઈ શકશે. ૫૦,૮૦૦  ચોરસ મીટરમાં એપ્રન બેઝ બનાવવામાં આવ્યો છે. ૨૩ હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે ૧,૨૮૦ મુસાફરોનું સંચાલન કરી શકાશે.

આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, અને ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ A-૩૮૦, બોઇંગ ૭૪૭ અને બોઇંગ ૭૭૭ જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે.

એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને MRO/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને ૮ ચેક-ઇન કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.

એર ટ્રાફિક કંટ્રોલર (A.T.C), ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત ૫૨૪ એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં આવી છે.

એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે. આ ગેલેરી રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી છે.

શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટસ?

ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગ રૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *