RBI MPC બેઠક : ટામેટા, ચોખા, તુવેર દાળની મોંઘવારીએ તોડી કમર, હવે નહીં મળે મોંઘા EMIમાં રાહત

૧૦ ઓગસ્ટે યોજાશે RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠક, મોંઘવારીએ માઝા મૂકતા મોંઘી EMIમાં રાહત મળવાની સંભાવના નહિવત્

આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠક આગામી ૧૦મી ઓગસ્ટ-૨૦૨૩ના રોજ યોજનારા છે. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. જોકે હાલ એવું મનાઈ આવી રહ્યું છે કે, આ બેઠકમાં આરબીઆઈ તેની પોલિસી રેટ્સ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. એટલે કે રેપો રેટ ૬.૫૦ % ના વર્તમાન સ્તરે હોલ્ડ થઈ શકે છે. એચએસબીસીએ તેના રિપોર્ટમાં પણ આવું જ કહ્યું છે.

આરબીઆઈના આ નિર્ણયથી મોંઘી ઈએમઆઈમાં રાહતની આશા રાખનારાઓને સૌથી મોટો ઝટકો લાગી શકે છે. મે મહિનામાં છૂટક ફુગાવાનો દર ઘટીને ૪.૨૫ % પર આવી ગયો હતો, ત્યારે એવી આશાઓ બંધાઈ હતી કે, આગામી દિવસોમાં લોન સસ્તી થવાનો તબક્કો શરૂ થઈ શકે છે, જોકે જૂન મહિનામાં છુટક ફુગાવાના દરનો આંકડો ૫૦ બેસિસ પોઈન્ટથી વધુ ઉછળીને ૪.૮૧ % પર પહોંચતા મોંઘી ઈએમઆઈમાં રાહતની આશાઓ પર પાણી ફેરવી ગયું હતું.

જૂન મહિનામાં સામાન્ય વરસાદના કારણે ટામેટાની કિંમતોમાં ૪૦ % નો ઉછાળો જોવા મળ્યો અને ઘણા શહેરોમાં ટામેટાની કિંમત ૨૫૦ રૂપિયે પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી. સામાન્ય વરસાદ, પૂર અને ચોમાસામાં મોડું થવાના કારણે જુદા-જુદા રાજ્યોમાં ખરીફ પાકની વાવણી પર અસર પડી છે, જેના કારણે ચોખાની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તુવેર દાળની કિંમતો પણ આસામાને પહોંચી છે. છુટક માર્કેટમાં અરહર દાલ ૧૮૦થી ૨૦૦ રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે, તો ઘઉંની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આવી સ્થિતિમાં સરકાર કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

ખાદ્ય ફુગાવો ઊંચો રહેવાની સંભાવના છે. ઉપરાંત રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ગત એક સપ્તાહમાં ઘઉંની કિંમતોમાં પણ ઝડપથી ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલની કિંમતોમાં પણ ફરી વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં મોંઘવારી સતત વધવાને કારણે મોંઘી ઈએમઆઈમાંથી રાહત મળવાની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે વારંવાર કહ્યું છે કે, મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. અને હજુ પણ લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ૮ થી ૧૦ ઓગસ્ટ યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાંથી કોઈ રાહતની અપેક્ષા રાખવી વ્યર્થ કહેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *