સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર વિપક્ષ દ્વારા સરકાર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષી મહા ગઠબંધન INDIA એ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી. વિરોધ પક્ષોના સાંસદો કાળા કપડા પહેરીને બેઠકમાં હાજર રહ્યા હતા. વિપક્ષી સાંસદોએ મણિપુર પર ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા બદલ કેન્દ્ર સરકારના વિરોધમાં કાળા કપડા પહેર્યા હતા.
બેઠક વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં થઈ હતી. મળતી માહિતી મુજબ બેઠકમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની રણનીતિ બનાવી. વિપક્ષ સરકાર પાસેથી અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરશે.
મણિપુરમાં ૩ મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦ થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર હિંસા અંગે બંને ગૃહોમાં હોબાળો ચાલી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. જ્યારે સરકાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સાથે ચર્ચા કરવા માંગે છે.
આવી સ્થિતિમાં ગઈકાલે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે. જો કે આ અંગે ચર્ચા માટે આગામી સપ્તાહનો સમય નક્કી કરવામાં આવ્યો છે.