વડોદરામાં ભાજપનાં કાર્યકર પર કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા એક વ્યક્તિને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિ હજુ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરા શહેરમાં જૂની અદાવતમાં ભાજપનાં કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અસામાજીક તત્વો દ્વારા સચિન ઠક્કરને માથાનાં ભાગે હોકી તેમજ બેઝબોલનાં ફટકા બે શખ્શો મારી રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે વાયરલ વીડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે પ્રિતેશને માથાનાં ભાગે ઈજાઓ થતા હાલ તે ભાનમાં નથી.
સચિન ઠક્કર તેમજ પ્રિતેષ ઠક્કરને વાહ પાર્કિગ બાબતે કેટલાક અસામાજીક તત્વો સાથે બોલાચાલી થયા બાદ પ્રિતેષ ઠક્કરે ગોત્રી પોલીસ મથકે અરજી પણ આપી હતી. ત્યારે આ અરજી સંદર્ભે ગોત્રી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી. પરંતું કોન્સ્ટેબલ દ્વારા કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં ન આવી ન હતી. જે બાબતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ ધુળાભાઈને સસ્પેન્ડ કરી તેઓની સામે ખાતાકીય તપાસ હાથ ધરી છે.