મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે વિવિધ યોજનાઓનો લાભ ગુજરાતની અનેક મહિલાઓ અને બાળકોને મળ્યો, ૧૪ આદિજાતિ જિલ્લાઓની ૧.૩૮ લાખ સગર્ભા અને ધાત્રી માતાઓ “પોષણ સુધા યોજના”થી લાભાન્વિત
વસુધૈવ કુટુમ્બકમ્ ના સંદેશ સાથે આ વર્ષે ભારત જી-૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતે જી-૨૦ નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી, સમગ્ર દેશમાં વિવિધ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જી-૨૦ એમ્પાવર સમિટ યોજાઈ રહી છે. જેમાં મહિલા સશક્તિકરણ પર જી-૨૦ મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ ‘વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ‘વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કપ્સ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન’’ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જી-૨૦ ના પ્રમુખપદ હેઠળ, ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા ૨૦ (W૨૦) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં દરેક મહિલા ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતમાં મહિલાઓ માટે અલાયદા મહિલા અને બાળ કલ્યાણ વિભાગની રચના કરી હતી. તેમણે “બેટી બચાવો, બેટી પઢાઓ” અને “કન્યા કેળવણી” જેવા મહત્વના અભિયાનોનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો. જેને રાજ્યભરમાં બહોળો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સુપેરે આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમોનો પરિણામલક્ષી અમલ કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેનો લાભ ગુજરાતની મહિલાઓ, કિશોરીઓ અને બાળકોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ″સહી પોષણ દેશ રોશન”નાં આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે પોષણલક્ષી અનેક નવતર આયામો હાથ ધર્યા છે.
પોષણ સુધા યોજના
માતાના ગર્ભમાં રહેલા શિશુ માટે તેમજ શિશુના જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારે રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના કુલ ૧૦૬ તાલુકાઓમાં ‘પોષણ સુધા યોજના’ કાર્યાન્વિત છે. આ યોજના અંતર્ગત, આદિજાતિ વિસ્તારની તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને (૬ મહિનાનું બાળક હોય તેવી ધાત્રી માતા) આંગણવાડી તરફથી દરરોજ એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન પ્રતિમાસ ૨૫ દિવસ આપવામાં આવે છે. આ સાથે જ તેઓને આંગણવાડી કાર્યકરની દેખરેખમાં આઇ.એફ.એ. ગોળી આપવામાં આવે છે, તેમજ દિવસમાં કેલ્શિયમની બે ગોળીઓ પણ આપવામાં આવે છે. આદિજાતિ તાલુકાઓની ૧.૩૮ લાખ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી રહી છે. જેના માટે ચાલુ વર્ષે રૂ.૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પૂરક પોષણ યોજના
બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી પૂરક પોષણ યોજના અમલમાં છે. રાજ્યના ૩ થી ૬ વર્ષના અંદાજીત ૧૪ લાખથી વધુ બાળકોને આંગણવાડીમાં આ યોજના અંતર્ગત સવારે ગરમ નાસ્તો અને બપોરે ગરમ ભોજન તેમજ દર મહિને કેલેરી, પ્રોટીન અને પોષકતત્ત્વોથી ભરપૂર પૌષ્ટિક આહાર તથા રેડી ટુ ઈટ ટેક હોમ રેશન આપવામાં આવે છે. ૬ માસથી ૩ વર્ષનાં અંદાજીત ૧૩ લાખથી વધુ બાળકોને “બાલશક્તિ” અને અંદાજીત ૬ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને “માતૃશક્તિ”ના પેકેટ્સ આપવામાં આવે છે. જેના માટે પણ કુલ રૂ.૧૪૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પૂર્ણા યોજના
રાજ્યની કિશોરીઓને પુરતા પોષક તત્વો મળી રહે જેનાથી તેમનું સ્વાસ્થય અને પોષણ સ્તર સુધરે તેવા આશયથી પૂર્ણા યોજના અમલમાં છે. જે હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની અંદાજીત ૧૦ લાખથી વધુ કિશોરીઓને કેલેરી, પ્રોટીન અને પોષકતત્વોથી ભરપૂર પૌષ્ટિક આહાર “પૂર્ણશક્તિ” દર મહિને આપવામાં આવે છે. જેના માટે રૂ.336 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આમ સ્વસ્થ અને તંદુરસ્ત મહિલાઓ તેમજ સ્વસ્થ બાળકો દ્વારા તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે, એ બાબતનું મહત્વ સમજીને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ તથા બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ માટે અનેક સંવેદનશીલ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો લાભ છેવાડામાં વસતી મહિલાઓ તથા બાળકો લઈ રહ્યા છે.