અમદાવાદમાં કન્જક્ટિવાઇટિસ રોગ વધુ વકર્યો

કેટલીક શાળાઓના વર્ગોમાં કન્જક્ટિવાઈટિસના કારણે બાળકોની હાજરી અડધાથી પણ ઓછી જોવા મળી, કોલેજોમાં પણ ૧૫ થી ૨૦ % હાજરીમાં ઘટાડો.

અમદાવાદ સહિત રાજ્યભરમાં કન્જક્ટિવાઈટિસ અને સાદી ભાષામાં આંખ આવવાનો રોગ વકર્યો છે. જેમાં બાળકો અને મોટી ઉંમરના લોકો તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. બાળકોમાં આ રોગ મોટા પ્રમાણમાં વકર્યો હોવાના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલીક શાળાઓના વર્ગોમાં કન્જક્ટિવાઈટિસના કારણે બાળકોની હાજરી અડધાથી પણ ઓછી જોવા મળી રહી છે. માત્ર શાળાઓ જ નહિ કોલેજોમાં પણ ૧૫ થી ૨૦ % હાજરીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શાળા સંચાલકો પણ આંખમાં સહેજ પણ તકલીફ હોય તેવાં બાળકને શાળાએ ન મોકલવા સૂચના આપી રહ્યા છે. શાળાઓમાં પણ કામચલાઉ કન્જક્ટિવાઈટિસ મેડિકલ ઇમર્જન્સી કાઉન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ વધી રહી છે. સાથે સાથે ચોમાસામાં ભેજયુક્ત વાતાવરણથી અલગ અલગ વાહકજન્ય બીમારીઓ ઝડપથી વધી રહી છે. રોગનો વધુ પડતો ફેલાવો જોતાં તથા રોગની ગંભીરતાને જોતાં સરકારે પણ કોવિડકાળની જેમ જ ધન્વંતરિ રથ ઇમર્જન્સી સહાય માટે મેદાનમાં ઉતાર્યા છે.

કન્જક્ટિવાઇટિસ રોગ નાનાં બાળક, સ્કૂલ વિદ્યાર્થીમાં વધુ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી   છે. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર આ રોગને ફેલાતો અટકાવવા સાવચેતી એ જ સાચો ઉપાય છે અને જરા જેટલાં ચિહ્ન પણ દેખાય કે તરત તબીબની સલાહ લેવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જો કે સરકારી હોસ્પિટલમાં જેટલી પણ સંખ્યામાં કેસ આવી રહ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલ દ્વારા આંખનાં ટીપાં તથા દવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને તેમાં દવા કે આંખનાં ટીપાંની કોઇ ઘટ નથી. આંખના રોગના નિષ્ણાત ડોક્ટરના મતે વડીલો કે બાળકોને ખાસ કરીને ભીડમાં જવાનું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો કામચલાઉ ઉપયોગ કરવાનું ટાળવું અને સફાઈ પર ખાસ ધ્યાન આપવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *