જો કોર્ટ રાહુલ ગાંધીની સજા પર રોક લગાવે તો તેમનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થઈ જશે, રાહુલ ગાંધીએ અગાઉ સોગંદનામુ દાખલ કરી માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો.
મોદી સરનેમ માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે શું રાહુલ ગાંધી કોર્ટથી નિરાશા સાંપડશે કે પછી કોર્ટ તેમને આપવામાં આવેલી સજા પર સ્ટે આપી દેશે. જો કોર્ટ રાહુલ ગાંધીની સજા પર રોક લગાવે તો તેમનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થઈ જશે. જો કોર્ટ રાહુલ ગાંધીની સજા પર સ્ટે નહીં મૂકે તો તેઓ સંસદમાંથી અયોગ્ય જ રહેશે અને તે આગળની ચૂંટણી પણ લડી શકશે નહીં. જો આમ થશે તો ચૂંટણી પંચ રાહુલ ગાંધીની વાયનાડ બેઠક પર પણ પેટાચૂંટણી યોજશે. જોકે, આ નિર્ણયથી રાહુલ ગાંધીની બે વર્ષની સજામાં કોઈ ફરક નહીં પડે. કારણ કે ગુજરાત હાઈકોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરનેમ માનહાનિવાળી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને તેમની ટિપ્પણીથી ઉદ્ભવતા ગુનાહિત માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ દોષિત નથી. ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ૨૦૧૯ માં ગાંધી વિરુદ્ધ તેમની એ ટિપ્પણી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો કે “બધા ચોરોની સરનેમ મોદી જ કેમ છે?” ૧૩ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી.