“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ “મારી માટી, મારો દેશ” ઝુંબેશ હેઠળ આગામી તા. ૯ થી ૨૫મી ઓગષ્ટ દરમિયાન વિવિધ સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાઓનું આયોજન કરવામાં આવશે.
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત દેશભરમાં સ્થાનિક કાર્યક્રમો અને માટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના ગામડાઓમાં ગામથી તાલુકા સુધીની માટીયાત્રાઓ યોજાશે. આ યાત્રા ગામડે-ગામડેથી એક-એકમુઠ્ઠીમાટી લઇ તેને તાલુકા કક્ષાએ એકત્ર કરશે. ત્યારબાદ તાલુકાથી દિલ્હી કર્તવ્યપથ સુધીની અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં દરેક તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ૭૫૦૦થી પણ વધારે યુવાનો એકત્ર થયેલી માટીના કળશ અમૃત વાટિકાની સ્થાપના માટે દિલ્હી – કર્તવ્યપથ સુધી પહોંચાડશે.
‘મારી માટી, મારો દેશ અભિયાન’ ને જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવા ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં તા.૧૬ થી૨૫ ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” ઝુંબેશને સમર્પિત પ્રાસંગિક કાર્યક્રમોનુ આયોજન કરવામાંઆવશે. ગુજરાતના શહેરી વિસ્તારો પણ આ અભિયાનમાં સક્રિયરીતે સહભાગી થશે. ગ્રામીણ વિસ્તારોની જેમ શહેરી વિસ્તારમાં પણ સૌપ્રથમ ટાઉન પંચાયત, કેન્ટોન્મેન્ટ બોર્ડ, ત્યાર બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ તેમજ અંતમાં દેશની રાજધાની ખાતે ‘મારી માટી, મારોદેશ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે.