લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દેતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. પ્રદેશ મહામંત્રી પદેથી પ્રદીપસિંહના અચાનક રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રજની પટેલે મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું છે કે, પ્રદીપસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણોસર ભાજપના પ્રદેશ મહામંત્રીનું પદ છોડ્યું છે. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
સાણંદના બકરાણા ગામના વતની પ્રદીપસિંહ વાઘેલાને ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ભાજપ પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. પ્રદીપસિંહ વાઘેલા સૌથી નાની વયના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત થયા હતા. આ પછી નવેમ્બર ૨૦૨૦ માં તેમને ગુજરાત ભાજપ તરફથી રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. પ્રદીપસિંહ વાઘેલાને GHMC ની ચૂંટણી માટે સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પ્રદીપસિંહ વાઘેલાએ શાનદાર કામગીરી કરી હતી. પ્રદીપસિંહ વાઘેલા આ ચૂંટણીમાં લગભગ એટલા બધા લાઇમલાઇટમાં નહોતા આવ્યા. પણ આ ચૂંટણીમાં તેઓએ જમીની સ્તર ઉપર કામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રદીપસિંહ વાઘેલાએ બેઠક વાઇઝ રણનીતિ કરી અને અનેક બેઠકો પર જાતે જ કાર્યકર્તાઓ અને નારાજ નેતાઓને મનાવી પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું હતું. પ્રદીપસિંહે ખુદ અનેક બેઠકો ઉપર કાર્યકર્તાઓને મળી જમીની સ્તરે એક પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યા હતું.