આજે વહેલી સવારે બનાસકાંઠામાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠામાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે, ત્યારે આજે ફરી બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
વહેલી સવારે ૦૪:૩૬ કલાકે બનાસકાંઠાની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઇકાલે (શનિવાર) રાત્રે ૦૯:34 કલાકે દિલ્હી – NCR માં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ની નોંધાઈ હતી. તો ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.