લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું.
રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની ૨ વર્ષની સજા પર રોક લગાવી દીધી હતી.આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો. રાહુલે ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી. મોદી સરનેમ માનહાનિ કેસમાં ૨૩ માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ ૧૩૪ દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી.
કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં ૨ વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ ( સંસદ અને વિધાનસભામાંથી ) રદ કરવામાં આવે છે. એટલું જ નહીં સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
કોંગ્રેસે સોમવારે સવારે ૧૦:૩૦ વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં તેના લોકસભા સાંસદોની બેઠક બોલાવી છે. કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ શનિવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશની નકલ ઔપચારિક રીતે લોકસભા સચિવાલયને સોંપવામાં આવી છે.
લોકસભા સચિવાલય કાયદા મંત્રાલયનો અભિપ્રાય લેવાનું નક્કી કરે છે તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા લાંબી પ્રક્રિયામાં ફેરવાઈ શકે છે. જોકે આ તમામ અટકળો પર હવે વિરામ લાગી ગયો છે. કારણ કે લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે.