દિલ્હી સર્વિસ બીલ રાજ્યસભામાં રજૂ કરાયું

ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી સર્વિસ બીલ રાજ્યસભામાં રજૂ કરતાં કોંગ્રેસના અભિષેક મનુ સિઁઘવીએ તેના વિરોધમાં જોરદાર દલીલો કરીને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું.

ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં દિલ્હી સેવા (સંશોધન) બિલ ૨૦૨૩ રજૂ કર્યું હતું. લોકસભામાં આ બિલ પાસ થઈ ચૂક્યું છે. વિપક્ષે પહેલેથી જ આ બિલનો વિરોધ કરવાનું મન બનાવી લીધું હતું. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ બિલનો વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બિલ વિશે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહને સુપરબોસ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, અંતિમ તમામ નિર્ણયો તેમણે જ લેવાના હોય છે.

રાજ્યસભામાં બિલનો વિરોધ કરતી વખતે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ૧૯૯૨ થી બીજી કોઈ સરકાર આવું બિલ કેમ ન લાવી? ભાજપ પણ કેન્દ્રમાં હતી અને કોંગ્રેસ સહિત કોઈએ પણ આ રીતે બંધારણીય બેંચના નિર્ણયને રદ કર્યો ન હતો. શા માટે કોઈ પણ સરકારે બે અમલદારોને મુખ્ય પ્રધાન કરતા વધુ શક્તિશાળી બનાવ્યા નથી? શા માટે કોઈ સરકારે એલજીને સુપર સીએમ બનાવ્યા નથી ? આ સરકારે અને આ વિધેયકે આ બધું જ એવું કર્યું છે જે અગાઉ ક્યારેય થયું નથી. કારણ કે આ તેમનો સ્વભાવ છે. ચૂંટણીની હારને તેઓ પચાવી શકતા નથી, તેથી તેઓ ચૂંટાયેલી સરકારને કોઈપણ રીતે અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બિલ ગેરબંધારણીય છે. આ દિલ્હીની જનતાનો અવાજ દબાવવા જઈ રહ્યો છે. તે વિધાનસભા આધારિત લોકશાહીનું ઉલ્લંઘન કરે છે.

સિંઘવીએ કહ્યું કે, આ બિલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરે છે. તે દરેક અધિકારીને અધિકાર આપે છે. બીજાની સરકારમાં સેક્રેટરી કોણ બનશે, એલજી કરશે આ કામ . તમામ વિજિલન્સ સત્તાઓ સૂચનો માટે આ ઓથોરિટી પાસે આવશે. તેનો હેતુ ભયનું વાતાવરણ ઉભું કરવાનો છે. આ ઓથોરિટીમાં ત્રણ લોકો છે. મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને મુખ્યમંત્રી. મેં ક્યારેય કોઈ ચૂંટણી ચીફ એક્ઝિક્યુટિવને બે સચિવો હેઠળ આવતા જોયા નથી. આ બંને સચિવો બેસીને નિર્ણય કરશે અને મુખ્યમંત્રી ઉભા રહેશે. તે પછી આ નિર્ણય પહેલા સુપર સીએમ પાસે જશે. અને પછી સુપરબોસ એટલે કે આપણી સામે બેઠેલા ગૃહમંત્રી પાસે આવશે. ચોથું, તમામ બોર્ડ દિલ્હી સરકાર પાસેથી તમામ બજેટ લેશે પરંતુ તેમના વડા સુપર સીએમ હશે.

દિલ્હી સર્વિસ બીલ લોકસભામાં પાસ થયું છે. આજે અમિત શાહે તેને રાજ્યસભામાં પાસ કર્યું હતું જે વખતે કોંગ્રેસ તરફથી વકીલ અભિષેક મનુ સિઁઘવીએ મોરચો સંભાળ્યો હતો અને તેમણે બીલના વિરોધમાં દલીલો આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *