૨૦૨૨-૨૩માં દેશના ૨.૬૯ કરદાતાઓએ ITR ફાઈલ કરાવ્યું : દેશની કુલ વસ્તીમાંથી માત્ર ૬ % લોકો જ ચુકવે છે ટેક્સ, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટા મુજબ છેલ્લા ૪ વર્ષમાં રૂ.૧ કરોડથી વધુની કમાણી કરનારાઓની સંખ્યામાં ૫૦ % નો ઉછાળો
આ વર્ષે ભરાયેલા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટામાં ભારતીય કરોડપતિઓને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેટા મુજબ ભારતમાં અમીરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડેટા મુજબ દેશમાં એક કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ દેશમાં અમીરોની સંખ્યમાં ઉછાળો જોવા મળ્યો છે.
૨૦૨૨-૨૩ ના ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટા મુજબ એક કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા ૫.૬૯ લાખ કરદાતાઓએ ITR ફાઈલ કરાવ્યું છે. અગાઉ આ આંકડો ૨૦૧૮-૧૯ માં ૧.૮૦ લાખ હતો, જેની તુલનાએ આ વખતે ૪૯.૪ % નો વધારો થયો છે. આ મામલે ૨૦૨૧-૨૨ માં ૧.૯૩ લાખ કરદાતાઓ નોંધાયા હતા. છેલ્લા ચાર વર્ષમાં ૧ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓની સંખ્યામાં ૫૦ % નો ઉછાળો આવ્યો છે.
દેશમાં કરોડપતિની સંખ્યામાં વધારો થયો છે, તો બીજીતરફ કરદાતાઓની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાયો છે. હાલ દેશની કુલ વસ્તીમાંથી માત્ર ૬ % લોકો જ ટેક્સ ચુકવતા હોવાનું સામે આવ્યું છે.
દેશમાંથી કુલ ૭.૭૮ કરોડ લોકોએ વર્ષ ૨૦૨૨-૨૩નું રિટર્ન ફાઈલ કરાવ્યું છે, જ્યારે ૨૦૨૧-૨૨માં ૭.૧૪ કરોડ લોકોએ, ૨૦૨૦-૨૧માં ૭.૩૯ કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું હતું. જોકે આ વર્ષે સૌથી વધુ રિટર્ન ફાઈલ કરવા મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં કુલ ૧.૦૮ કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું છે, જ્યારે બીજા ક્રમાંકે આવેલા ઉત્તર પ્રદેશમાંથી કુલ ૭૫.૭૨ લાખ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું છે. ત્યારબાદ ત્રીજા ક્રમાંકે ગુજરાતમાંથી ૭૫.૬૨ લાખ, રાજસ્થાનમાંથી ૫૦.૮૮ લાખ, પશ્ચિમ બંગાળમાંથી ૪૭.૯૩ લાખ, તમિલનાડુમાંથી ૪૭.૯૧ લાખ, કર્ણાટકમાંથી ૪૨.૮૨ લાખ અને દિલ્હીમાંથી ૩૯.૯૯ લાખ રિટર્ન ભરવામાં આવ્યા.