કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે યોજાશે, આ યાત્રા ૧૫ ઓગસ્ટ કે ૨ ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટુંક સમયમાં જ શરૂ કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલે દ્વારા આપવામાં આવેલી સંક્ષિપ્ત માહિતી અનુસાર, કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય વચ્ચે આયોજિત કરાશે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે. મળતી માહિતી અનુસાર, પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રા ૧૫ ઓગસ્ટ કે ૨ ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે.