કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી સંસદમાંથી બહાર નીકળતી વખતે મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લાગ્યો છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, પોતાનું ભાષણ પૂરું કરીને સંસદની બહાર જતી વખતે રાહુલ ગાંધીએ મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસના ઈશારા કર્યા હતા.
લોકસભામાં બોલતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, મારા પહેલા જેમને અહીં બોલવાની તક મળી, તેમણે આજે અસભ્યતાનો પરિચય આપ્યો છે. તેમણે (રાહુલ ગાંધી) પોતાનું ભાષણ પૂરું કર્યા પછી અભદ્ર વર્તન કર્યું. તેઓએ તે સંસદમાં ફ્લાઈંગ કિસ કરી, જે સંસદમાં મહિલાઓ પણ બેઠી છે. આવું વર્તન માત્ર એક સ્ત્રી દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે. સ્મૃતિ ઈરાની ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી લોકસભામાં ફ્લાઇંગ કિસ આપીને ગયા, તેમણે લોકસભામાં અભદ્ર લક્ષણના દર્શન આપ્યા છે. આ એમના ખાનદાનના લક્ષણ છે.
ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે આજે ગૃહમાં રાહુલ ગાંધીએ જે કૃત્ય કર્યું છે તે અસંસદીય છે. અમે આનો વિરોધ કરીએ છીએ અને આ અંગેની ફરિયાદ લોકસભા સ્પીકરને કરવામાં આવશે. આ પછી મહિલા સાંસદોના એક જૂથે લોકસભા સ્પીકરને રાહુલ ગાંધીના આ કૃત્યની ફરિયાદ કરી.
સંસદના ચોમાસું સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના બીજો દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મણિપુરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સુધી મણિપુર નથી ગયા, કેમ કે તેમના માટે મણિપુર હિન્દુસ્તાન નથી. મેં મણિપુર શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આજનું સત્ય એ છે મણિપુર બચ્યું નથી, મણિપુરને તમે બે ભાગમાં વહેચી નાખ્યું છે. મણિપુરને તમે તોડી નાખ્યું છે. હું મણિપુરના રિલીફ કેમ્પમાં ગયો હતો. જ્યાં મેં મહિલાઓ અને બાળકો સાથે વાત કરી હતી, જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય કરી નથી.