અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પીએમ મોદી પર એવું કંઈક બોલ્યાં કે લોકસભામાં હોબાળો શરૂ થઈ ગયો.
લોકસભામાં કેન્દ્ર સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનાં ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું જેના પર સદનમાં હોબાળો શરૂ થઈ ગયો. અધિર રંજને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે,’ મણિપુરમાં આપણે જોયું કે આપણાં ઘરની માં-બહેનને વસ્ત્રહીન હાલતમાં ,વિવસ્ત્ર કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો, બળાત્કારની ઘટનાઓ થઈ રહી છે.’ આ દરમિયાન કોંગ્રેસ નેતાએ મહાભારત કાળની દ્રોપદીનો ઉલ્લેખ કરી દીધો. તેમણે કહ્યું કે આજે હિન્દુસ્તાન અને હસ્તીનાપુરમાં કોઈ ફરક નથી. જે બાદ સદનમાં હોબાળો શરૂ થવા લાગ્યો. ચર્ચાની વચ્ચે ઊઠીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને વિનંતી કરી કે,’ તમે કંટ્રોલમાં રાખો નહીંતર..’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની સીટ પરથી ઊઠીને કહ્યું કે,’માનનીય અધ્યક્ષજી, તમને એક અપીલ છે કે ચર્ચાને શાંતિથી સાંભળવામાં આવે. અમે ધૈર્યપૂર્વક સાંભળી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે બ્રિટિશ કાર્ય પદ્ધતિ આપણાં સદને એડોપ્ટ કરી છે. સમગ્ર દેશનું અપમાન કરવામાં આવ્યું, અમે ચુપ બેઠાં રહ્યાં. આપણી બંધારણીય સભાએ આ સમગ્ર પ્રક્રિયા નક્કી કરી છે, સ્વીકારી છે. માનનીય અધ્યક્ષજી, તેમની પાર્ટીએ તેમને સમય નથી આપ્યો, તમે સમય આપ્યો છે તેમાં કંઈક સ્કોર કરવા ઈચ્છે છે પરંતુ આ સદનની એક ગરિમા છે, દેશનાં પ્રધાનમંત્રીજીનાં વિશે જે પ્રકારે અહીં ઉલ્લેખ કરી રહ્યાં છે, મને લાગે છે કે આ વિપક્ષનાં નેતાને શોભતું નથી. તમે તેમને કંટ્રોલમાં રાખવું જોઈએ નહીંતર ટ્રેઝરી બેંચનાં એપી પર આ સાંભળી નહીં શકાય.
અધિર રંજને પલટવાર કરતાં કહ્યું કે,અમિત શાહ તમે થોડીવાર બેસી જાઓ, પ્રધાનમંત્રીજીને ગુસ્સો નથી આવતો તો તમને શા માટે આટલો આવે છે? આ બાદ જ્યારે અધ્યક્ષે અધિર રંજનને મુદા પર વાત કરવા માટે કહ્યું ત્યારે તે બોલ્યાં કે,’ મુદા પર જ તો બોલીએ છીએ સર, ઘણાં દિવસો પહેલાં સાંભળ્યું કે દેશનાં હજારો રૂપિયા લૂંટીને નીરવ મોદી ભાગી ગયાં હતાં. કોઈપણ તેને ન પકડી શક્યું. તે કેરેબિયાઈ સમુદ્રની વચ્ચે મસ્તી કરતાં જોવા મળે છે. મેં વિચાર્યું હતું કે નીરવ મોદી જીવનભર માટે આપણાથી દૂર જતાં રહ્યાં છે પરંતુ હવે ખબર પડી કે નીરવ મોદી દૂર નથી ગયાં, મણિપુરની ઘટનાને જોયા બાદ ખબર પડી કે નીરવ મોદી અહીં હિન્દુસ્તાનમાં જ જીવે છે અને નરેન્દ્ર મોદી નીરવ મોદી બનીને હજુ સુધી ચુપચાપ છે. ‘