વિજયા રાહટકર:- રાજસ્થાન એક પવિત્ર ભૂમિ છે જ્યાં લોકોએ મહિલાઓની ગરિમાની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૨૩ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સચિવે રાજસ્થાનની ભૂમિને દુષ્કર્મની ભૂમિ ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજસ્થાનના સહ પ્રભારી વિજયા રાહટકરે કોટામાં કહ્યું કે, રાજસ્થાન સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે, જનતા તેના ફેલ કાર્ડને સારી રીતે જાણે છે. સાડા ચાર વર્ષ સુધી ખુરશી યુદ્ધમાં વ્યસ્ત હતી. પ્રજાની સૌથી વધુ અવગણના કરનારી ગેહલોત સરકારને જનતા વિધાનસભાની ચૂંટણીના મતદાનથી બદલી નાખશે. રાજ્યમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે.
વિજયા રહાટકરે આરોપ લગાવ્યો કે,..
રાજસ્થાન એક પવિત્ર ભૂમિ છે જ્યાં લોકોએ મહિલાઓની ગરિમાની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. ગેહલોત સરકારે ૩ વર્ષથી આ પવિત્ર ભૂમિને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે. રાજ્ય સરકારના કુશાસનને કારણે રાજસ્થાન ત્રણ વર્ષથી મહિલા સાથે દુષ્કર્મ મામલે નંબર વન પર ચાલી રહ્યું છે. કોટાના ધારાસભ્ય અને રાજસ્થાન સરકારમાં મંત્રી શાંતિ ધારીવાલ ગૃહમાં કહે છે કે શું કરીએ આ તો પુરુષોનો પ્રદેશ છે. તેમને આવી વાત કરતી વખતે શરમ ન આવી. મુખ્યમંત્રીએ આ અભદ્ર ભાષાનું ખંડન કરવું જોઈએ પરંતુ મુખ્યમંત્રી મૌન છે અને તેમનું આ મૌન માત્ર સ્વીકૃતિ જ ગણાશે.
માત્ર ૫૫ મહિનાની સરકારમાં ૧૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધના ૧ લાખ ૯૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ ૭૬૦૦થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા અને ૩૦ હજારથી વધુ દીકરીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. આ એ બાબતનો સંકેત છે કે, રાજસ્થાનને અપરાધીઓના ભરોસે છોડી દેવામાં આવ્યું છે. રહાટકરે કહ્યું કે રાજસ્થાન એ નાયકોની ભૂમિ છે જેમણે મહિલાઓના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું કોંગ્રેસની ગેહલોત સરકારના કુશાસનમાં તેને દુષ્કર્મની ભૂમિ બનાવી દેવામાં આવી છે.