સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીના કાર્યક્રમોનું રીહર્સલ વલસાડ જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે.
વલસાડની ભૂમિ દેશની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન રહયું છે, એવી વલસાડની ભૂમિના આંગણે આ રાષ્ટ્રીય પર્વમાં ભાગીદાર બનવા વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વલસાડના નાગરિકોને અપીલ કરી છે. કલેકટરએ જણાવ્યું હતું કે, વલસાડ માટે આનંદ અને ગૌરવનો અવસર છે. રાષ્ટ્રીય મહામુલા પર્વમાં ભાગીદાર થવાનો આ પર્વ છે. વાપીના બલીઠા ખાતે મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં વલસાડની ગૌરવગાથાને ઉજાગર કરતો ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે ધમડાચી એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સાથે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરાશે. દક્ષિણ ઝોનના રેન્જ આઇજી વિકાસ સહાય એ પણ રાજ્યકક્ષાના યોજાનારા વિવિધ કાર્યક્રમોના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ધમડાચી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ સ્થળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે તેમજ પોલીસ બેન્ડ રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ ઉપરાંત ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાશે. પોલીસ દ્વારા એસ.ડી.આર.એફ./ એમ.ટી.એફ. નો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.