ગુજરાતમાં છેતરપિંડીની સૌથી મોટી ઘટના

ગુજરાતના કેટલાક લોકો સાથે મળીને માત્ર ૯ દિવસમાં છેતરપિંડીને અંજામ આપ્યો અને પકડાયા પહેલા ચીન પરત ભાગી ગયો.

ગુજરાતમાં છેતરપિંડીની સૌથી મોટી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ છેતરપિંડી અંગે ગુજરાત પોલીસનું કહેવું છે કે, ચીનના એક વ્યક્તિએ ફૂટબોલ સટ્ટાબાજીની એપ દ્વારા ૧,૨૦૦ લોકો સાથે આશરે ૧,૪૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ચીનના શેનઝેન પ્રાંતના રહેવાસી વુ યુઆનબે થોડા સમય માટે ગુજરાત આવ્યો હતો.  જે બાદમાં તેણે અહીંના કેટલાક લોકો સાથે મળીને માત્ર ૯ દિવસમાં આ છેતરપિંડીને અંજામ આપ્યો અને પકડાયા પહેલા ચીન પરત ભાગી ગયો.

ગુજરાત પોલીસે એક SITની રચના કરી હતી. SITની તપાસમાં ચીનના શેનઝેન પ્રાંતના રહેવાસી વુ યુઆનબેનું નામ સામે આવ્યું હતું. જે છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હતો. આરોપ છે કે, યુઆનબેએ ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આ છેતરપિંડી કરી હતી.

CID અધિકારીઓએ જણાવ્યું કે, તેમને જૂન ૨૦૨૨ માં ખબર પડી કે કેટલાક લોકો ‘દાની ડેટા’ નામની એપ દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશના લોકોને નિશાન બનાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. આ છેતરપિંડીમાં ઉત્તર ગુજરાતના કેટલાક લોકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે, ચાઇનીઝ નાગરિક (વુ યુઆનબેઇ) વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે ભારતમાં હતો. તેણે પાટણ અને બનાસકાંઠામાં પણ થોડો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તે મોટી સંખ્યામાં લોકોને મળ્યો હતો અને તેમને પૈસાની લાલચ આપી હતી. જે બાદમાં તેણે અને તેની સાથેના લોકોએ મે ૨૦૨૨ માં એક એપ લોન્ચ કરી. આ એપમાં બોલી લગાવવામાં આવી અને બદલામાં મોટા ફાયદાના વચનો આપવામાં આવ્યા.

૧૫ વર્ષના છોકરાઓથી લઈને ૭૫ વર્ષના લોકો એપમાં ગયા અને ફૂટબોલ ગેમ પર સટ્ટો લગાવવા લાગ્યા. એપ કુલ ૯ દિવસ સુધી એક્ટિવ રહી અને પછી એક દિવસ એપ અચાનક બંધ થઈ ગઈ. ત્યારે લોકોને ખબર પડી કે તેમની સાથે મોટી રમત થઈ છે. આ રીતે યુઆનબેએ દરરોજ સરેરાશ ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી.

CIDના સાયબર સેલે આ કેસમાં ૯ લોકોને પકડ્યા હતા. આરોપ છે કે, આ લોકોએ શેલ કંપનીઓ બનાવીને હવાલા નેટવર્ક દ્વારા પૈસા મોકલવામાં યુઆનબેને મદદ કરી હતી. ગુજરાત પોલીસ પણ ઓગસ્ટ ૨૦૨૨ માં એક્શનમાં આવી હતી. પાટણમાં છેતરપિંડી અને IT એક્ટના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઠગના માસ્ટરમાઇન્ડ યુઆનબેને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે ભારતથી ચીન ભાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *