ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ગયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં જગતનો તાત ભારે મૂંઝવણમાં મુકાયો છે. મહાપરિશ્રમે ખેતરમાં કરાયેલા ઊભા પાક સામે સુકાઈ જવાનું સંકટ ઊભું થયું છે, જોકે કુદરતની મહેર થવાથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મુરઝાતી જતી ખેતીને નવજીવન મળી રહ્યું છે, જોકે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
રાજ્યમાં વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. હાલ ઉત્તર મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ થશે.