ઉત્તરાખંડમાં અકસ્માતમાં ૭ ગુજરાતીઓના મૃત્યુ, આજે સવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

ઉત્તરાખંડમાં અક્સ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મૃતદેહ લવાયા વતન, મૃતકોની અંતિમયાત્રામાં સર્જાયા કરુણ દૃશ્યો.

ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના ૭ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ૧૦૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ૨૮ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ૭ મૃતકોમાંથી ૬ મૃતકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લવાયા હતા. જ્યારે એકની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરાઈ હતી. ૨ મહુવા, ૩ તળાજા અને ૧ મૃતદેહને પાલિતાણા લવાયા બાદ મૃતકોની અંતિમ વિધિ કરાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો.

ગઈકાલે રાત્રે તમામના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યાં હતાં અને વહેલી સવારે તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિતાણાના ૨૯ વર્ષીય કરણજીત ભાટીનો મૃતદેહ વતન પહોંચતા જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જે બાદ સવારે તેમની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. નોંધનીય છે કે, ૨૯ વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા તળાજાના રાજુભાઇ મેર અને ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ મધરાતે વતન તળાજા લવાતા આખું ગામ ભેગું થઇ ગયું હતું. સવારે બંનેની અંતિમયાત્રા નિકળતા પરિવારજનો અને સ્વજનોના આક્રંદથી હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. રાજુભાઈ મેર અને ગીગાભાઈની અંતિમયાત્રામાં કઠવા ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટર્યા હતા. તળાજામાં નીકળેલી ૩૫ વર્ષીય અનિરુદ્ધ જોશીની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

મહુવાના દંપતીનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. મહુવાના ગણપતભાઈ મહેતા અને દક્ષાબેન મહેતાની આજે વહેલી સવારે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં બ્રહ્ણ સમાજ જોડાયો હતો. મહુવામાં દંપતીની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.

બસમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર અને હેલ્પર સહિત કુલ ૩૫ લોકો સવાર હતા. જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં ગણપતભાઈ મહેતા (ઉં.વ ૬૧ રહે.મહુવા), દક્ષાબેન મહેતા (ઉં.વ ૫૭ રહે. મહુવા), મીનાબેન ઉપાધ્યાય (ઉં.વ ૫૧. રહે. ભાવનગર), રાજેશ મેર (ઉં.વ ૪૦, રહે. તળાજા ), ગીગાભાઈ ભમ્મર (ઉં.વ ૪૦, રહે તળાજા), અનિરુદ્ધ જોશી (ઉં.વ ૩૫, રહે. તળાજા) અને કરણજીત ભાટી (ઉં.વ ૨૯ રહે. પાલિતાણા) સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *