મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો માટે મહત્વપૂર્ણ જાહેરાત

સહાય મેળવવા માટેની અરજી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન કરવાની રહેશેઃ નાણાં સહાય DBTથી અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગૌશાળા-પાંજરાપોળોના વિશાળ હિતમાં ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’માં સહાયના ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. રાજ્યમાં જે ગૌશાળા-પાંજરાપોળ એક જ રજિસ્ટ્રેશન ધરાવતી હોય, પરંતુ એક કરતાં વધુ સ્થળે પશુ નિભાવ શેલ્ટર હોમ હોય તેવી સંસ્થાઓને શાખા દીઠ વધુમાં વધુ ૩,૦૦૦ પશુની મર્યાદામાં પશુ દીઠ રોજના રૂ.૩૦ પ્રમાણે સહાય અપાશે.

‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’ નો લાભ મેળવવા માંગતી સંસ્થાઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આવી સહાયની રકમ જે તે સંસ્થાને DBTથી સીધી જ તેના બેન્ક ખાતામાં જમા આપવામાં આવશે. સમસ્ત મહાજન દ્વારા રાજ્યની ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે રૂ. ૨.૫૧ કરોડની સહાયના ચેક અર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમારોહમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનભાગીદારી-પીપીપીના મોડલ દ્વારા વિકાસની રાજનીતિની ગતિ વધુ વેગવંતી બનાવી છે. તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય સુધારવા પ્રાકૃતિક ખેતીથી બેક ટુ બેઝિકનું આગવું વિઝન આપ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતરથી ઉત્પન્ન થતાં અનાજથી મુક્તિ સાથોસાથ પશુધનની પણ સારી રીતે માવજત થઈ શકશે. પ્રધાનમંત્રીએ રોજબરોજની જીવનશૈલીમાં પણ પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે મિશન લાઈફનો વિચાર આપ્યો છે, તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ મહાજનોને જીવદયાના તેમના સેવાકાર્ય સાથે પાણી બચાવવું, વીજળીનો કરકરસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ પ્રધાનમંત્રીએ જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવા આપેલા આહવાનમાં પણ સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમણે ગૌશાળા-પાંજરાપોળોને સમયસર સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ભગવાન મહાવીર સ્વામીના ‘જીવો અને જીવવા દો’ના સૂત્રને પશુઓની નિભાવણી દ્વારા ગૌશાળા-પાંજરાપોળો આત્મસાત કરે છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોને સહાયના ચેક અર્પણ કરવા ઉપરાંત રાજસ્થાનની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોનું જીવદયાના આ અદકેરા કાર્ય માટે સન્માન કર્યું હતું.

નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભાના ઉપદંડક જગદીશ મકવાણા સહિત સમગ્ર રાજ્યની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો ગૌરવશાળી સમારોહના સાક્ષી બન્યાં હતાં. તથા આ કાર્યક્રમમાં સમસ્ત મહાજનના ગીરીશ શાહ તથા મિતલ ખેતાણી, જામનગરના મેયર બિનાબહેન કોઠારી, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબહેન દોશી, વડોદરાના પૂર્વમેયર ડૉ. જિગીશાબહેન શેઠ, પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન સહિત રાજ્યની ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકો-ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *