તથ્ય પટેલની જામીન અરજી પર આજે ચુકાદો

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો, અગાઉની સુનાવણીમાં કોર્ટમાં ત્રણેય પક્ષની દલીલ થઈ હતી પૂર્ણ.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી ૯ જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે ચુકાદો આપશે. આરોપી તથ્ય પટેલને જેલમાંથી મુક્ત કરવાને લઈને કાર્ટ આજે નિર્ણય લેશે. મહત્વનું છે કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ત્રણેય પક્ષોની દલીલ પૂર્ણ થતાં ન્યાયધીશ ડી.એમ વ્યાસે ચુકાદો ૨૪ મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.

ઇસ્કોન અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલનના વકીલ નિસાર વૈદ્યે તથ્યની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન એડવોકેટ નિસાર વૈદ્યે એવી દલીલ કરી હતી કે, પોલીસ આ કેસની તપાસ એક વીડિયોના આધારે કરી રહી છે. આ વીડિયોનો ચાર્જશીટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧૪૧.૨૭ ની સ્પીડ માટે કોઇ ટેક્નિકલ અભિપ્રાય લેવામાં આવ્યો નથી.

તથ્યના વકીલ નિસાર વૈદ્યએ કહ્યું હતું કે પોલીસે જે વીડિયોના આધાર પર તપાસ કરી એનું FSL સર્ટિફિકેટ નથી. પ્લેનનો અકસ્માત થાય તો બ્લેક બોક્સથી વિગતો મળે છે. ગાડીમાં એવી કોઈ ટેક્નોલોજી નથી કે સ્પીડ કેટલી હતી તે જાણી શકાય. પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું ગતું કે,  અગાઉ થાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. પોલીસ હાજર હતી, પરંતુ પોલીસે બેરિકેડિંગ કર્યું નહતું. આમાં જેટલી બેદરકારી તથ્યની છે, એટલી જ બેદરકારી પોલીસની પણ છે. નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. અંતે તથ્ય પટેલના વકીલે કહ્યું હતું  કે, પોલીસે ઉતાવળે તપાસ કરી અને ચાર્જશીટ ફાઈલ કરી છે. આખી ઘટના પાછળ તથ્યનો કોઈ જ ઈરાદો ન હતો, આકસ્મિત ઘટના બની છે, ત્યારે જામીન આપવા જોઈએ.

સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ એવી દલીલ કરી હતી કે, અકસ્માત સમયે ૧૪૧.૨૭ ની સ્પીડે કાર હોવાનો પુરાવો છે, સાથે જ જેગુઆર એક્સપર્ટનો રિપોર્ટ છે કે તેણે બ્રેક મારવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. તેથી આરોપીને જામીન આપવા જોઇએ નહીં. આ મામલે બંને પક્ષે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો ૨૪ મી ઓગષ્ટ પર મુલત્વી રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *