ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર, મિશન મંગલયાન-૨ અને મિશન શુક્રયાન-૧ ને લઈ પણ ઇસરો અડીખમ
ભારતના ચંદ્રયાન-૩ એ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચ્યો હતો. ભારત દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર છે. ઈસરોનું આગામી મિશન આદિત્ય એલ-૧ જેમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે.
સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-૧ (L-૧) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-૧ બિંદુ એવી જગ્યા છે જ્યાં ગ્રહણની કોઈ અસર થતી નથી અને અહીંથી આપણે સૂર્યને સતત જોઈ શકીએ છીએ.
સૌર પ્રવૃત્તિઓનું અવલોકન કરવાનો અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસરનો વધુ ફાયદો મળશે. અવકાશયાન સૂર્યના વિવિધ સ્તરોનું અવલોકન કરવા માટે સાત પેલોડ વહન કરશે. આ મિશન દ્વારા સૂર્યની ગતિવિધિઓને સમજવામાં સરળતા રહેશે. મિશન આદિત્ય એલ-૧ સપ્ટેમ્બર ૨૦૨૩ માં લોન્ચ થવાની સંભાવના છે.
ભારતનું આગામી આયોજિત ચંદ્ર મિશન લુનર પોલર એક્સપ્લોરેશન મિશન (LUPEX) હશે. આ જાપાનના JAXA અને ભારતના ISROનું સંયુક્ત મિશન હશે. તેમાં નાસા, યુરોપિયન સ્પેસ એજન્સીના સાધનો પણ હશે. તેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ હશે. ૨૦૨૪ પછી તેને લોન્ચ કરવાની યોજના છે.
ક્લાઈમેટ ચેન્જ પર નજર રાખવા માટે ઈસરો આવતા વર્ષે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે નિસાર લોન્ચ કરશે. તેને નાસા અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પૃથ્વી અવલોકન ઉપગ્રહો પૃથ્વીની ઇકોસિસ્ટમ, બરફના જથ્થા, વનસ્પતિ બાયોમાસ, દરિયાની સપાટીમાં વધારો, ભૂગર્ભજળ અને ભૂકંપ, સુનામી, જ્વાળામુખી અને ભૂસ્ખલન સહિતના કુદરતી જોખમોમાં થતા ફેરફારોને સમજવા માટે ડેટા પ્રદાન કરશે. તેને ૨૦૨૪ માં લોન્ચ કરવામાં આવી શકે છે.
ભારતે આર્ટેમિસ કરારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તે ગ્રહોની શોધ અને સંશોધન પર યુએસની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ભાગીદારી છે. હાલમાં તેમાં ૨૭ દેશો સામેલ છે.