ગુજરાતની નામાંકિત અમૂલ ડેરીનું નામ હવે વિશ્વની નામાંકિત ડેરી પ્રોડક્ટ બ્રાન્ડ સાથે લેવામાં આવશે. વિશ્વમાં પ્રોડક્ટ બ્રાન્ડનું મૂલ્યાંકન કરતી યુકે સ્થિત બ્રાન્ડ વેલ્યુએશન કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાયનાન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અને ગુણવતાના અહેવાલમાં અમૂલની ગુણવત્તા, નાવિન્ય અને ગ્રાહકોના વિશ્વાસ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરાઈ છે. અમૂલને વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. જે માત્ર અમેરિકાની જાણીતી ચોકલેટ બ્રાન્ડ હર્શીથી એક ક્રમ પાછળ છે. આ પ્રતિષ્ઠિત અહેવાલમાં અમૂલની વિવિધ સિદ્ધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. અમૂલ બ્રાન્ડને વિશ્વની ૫૦ બ્રાન્ડ્સમાંથી ટોચની ૩૦ સૌથી મૂલ્યવાન ફૂડ બ્રાન્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સમાં એકમાત્ર અમૂલ ગર્વભેર ખેડૂતોની માલિકીની બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થઈ છે.