બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ ચંદ્રયાન ૩ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની સાથે મુલાકાત કરી અને તેઓને અભિનંદન પાઠવ્યા.
ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-૩ મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ ૨૩ ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે થઈ. આ પછી ઈસરોના ચીફ એસ. સોમનાથે પીએમ મોદીને ચંદ્રયાન ૩ મિશન વિશે સમગ્ર જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે, લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલમાં પહોંચ્યા. આ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો પણ હાજર હતા. જેઓએે મીટિંગ હોલમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા ચંદ્રયાન-૩ ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, હું સાઉથ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો પણ મારુ મન તો તમારી સાથે જ હતું. તેઓએ હસતાં હસતાં કહ્યું કે, ક્યારેક તો લાગે છે કે તમારી સાથે હું અન્યાય કરું છું, કારણ કે ઉત્સાહ મારો છે ને ભોગવવું તમારે પડે છે. આજે પણ આટલી સવાર સવારમાં મેં તમને બધાને બોલાવી લીધા, તમને તકલીફ પડી હશે, પણ મને એમ હતું કે વહેલામાં વહેલી તકે અહીં આવીને તમને નમન કરું. જે બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક ભાવુંક થઈ ગયા. તેઓએ ચંદ્રયાન ૩ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન કર્યું. આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આપણે જે કર્યું છે, તે આ પહેલા કોઈ કરી શક્યું નથી. આજનું ભારત નિર્ભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉન કંફોર્મ થયું ત્યારે દેશના લોકો ઉછળવા કૂદવા લાગ્યા. દરેક ભારતીય અનુભવી રહ્યા છે કે આ સફળતા તેમની પોતાની છે. આજે પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. આજે હું તમારા લોકોની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે.