ચંદ્રયાન-૩ જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે અને ચંદ્રયાન-૨એ જ્યાં પોતાના પદ ચિન્હ છોડ્યા હતા તે સ્થળને ‘તિરંગા’ પોઈન્ટ તરીકે ઓળખાશે. ૨૩ ઓગસ્ટના ઐતિહાસિક દિવસને ‘નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે.
ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-૩ને સફળ બનાવનાર ટીમ સાથે મુલાકત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા અને ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, જે સ્થળે ચંદ્રયાન ઉતર્યું છે. તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્થાનને ‘શિવશક્તિ’ના નામે ઓળખવામાં આવશે. શિવએ માનવતાનું પ્રતિક છે અને શક્તિ અમારી નારી શક્તિ છે. નિર્માણથી પ્રલય સુધી સમગ્ર સૃષ્ટિનો આધાર નારી શક્તિ જ છે. ચંદ્રયાન-૩ માં દેશની મહિલા વૈજ્ઞાનિકોએ મોટી ભૂમિકા નિભાવી છે.
જ્યારે ચંદ્રયાન-૨એ જે જગ્યાએ પદચિન્હ છોડ્યા છે તે જગ્યાને ‘તિરંગા’ નામ આપવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ તિરંગા નામ જાહેર કરતાની સાથે જણાવ્યુ કે, તિરંગા પોઈન્ટ આપણાને હંમેશા યાદ આપશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી હોતી, જો મજબૂત ઈચ્છા શક્તિ હોય તો સફળતા મળીને જ રહે છે.
વધુમાં પ્રધામંત્રી મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, જે દિવસે ચંદ્રયાન-૩નું વિક્રમ લેન્ડર લેન્ડ થયુ તે ૨૩ ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ બની ચૂક્યો છે. જેથી ૨૩ ઓગસ્ટને નેશનલ સ્પેશ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.હવેથી દર વર્ષે દેશમાં ૨૩ ઓગ્સ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે.
તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશરોના વૈજ્ઞાનીકોની મહેનતને યાદ કરતા જણાવ્યુ કે, આજે ટ્રેડથી લઈને ટેક્નોલોજી સુધી ભારતની ગણતરી પ્રથમ હરોળના દેશ તરીકે થાય છે. આ યાત્રામાં ISRO જેવી સંસ્થાઓએ ખુબ જ મોટી ભુમિકા નિભાવી છે.