ઈસરો એ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ લેન્ડર મોડ્યુલ વિક્રમ પર ILSA પેલોડમાં ૨૬ ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સર્જાયેલી એક કુદરતી ઘટના નોંધાઈ હતી, હાલ સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતે ચંદ્રયાન-૩ ને લઈને ઇતિહાસ રચી દીધા બાદ હવે ચંદ્ર પરની પણ એક પછી એક અપડેટ સામે આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ઈસરો ) એ સત્તાવાર નિવેદન જારી કરી ચંદ્ર પર કુદરતી ભૂકંપના સંકેત મળ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ઈસરો ) એ ગુરુવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ લેન્ડર મોડ્યુલ વિક્રમ પર ઈન્સ્ટ્રુમેન્ટ ફોર લુનર સિસ્મિક એક્ટિવિટી ( ILSA ) પેલોડમાં ૨૬ ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સર્જાયેલી કુદરતી ઘટના નોંધાઈ છે. ભૂકંપના આ અપડેટ લુનાર સિસ્મિક એક્ટિવિટી (ILSA) પેલોડ દ્વારા રેકોર્ડ કરાઈ છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-૩ ના લેન્ડર વિક્રમ જે હાલમાં સપાટી પર કામ કરી રહ્યું છે, તેણે ચંદ્ર પર ધરતીકંપની ઘટના શોધી કાઢી છે.
ઈસરોએ જણાવ્યું હતું કે, “ચંદ્ર પર માઈક્રો ઈલેક્ટ્રો મિકેનિકલ સિસ્ટમ ( MEMS ) ટેક્નોલોજી-આધારિત સાધન માટે ચંદ્રયાન-૩ લેન્ડર પર લુનર સિસ્મિક એક્ટિવિટી ( ILSA )નું આ પ્રથમ ઉદાહરણ છે. “તે રોવર અને અન્ય પેલોડ્સની હિલચાલને કારણે થતા કંપન એટલે કે ધ્રુજારીને રેકોર્ડ કરે છે.” સ્પેસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ એક ઘટના રેકોર્ડ કરવામાં આવી છે કુદરતી લાગે છે. ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે.”
ILSA માં છ ઉચ્ચ-સંવેદનશીલતા એક્સલેરોમીટર સમાવેશ થાય છે, જે સિલિકોન માઇક્રોમશીનિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને સ્વદેશી રીતે બનાવવામાં આવે છે. કોર સેન્સિંગ એલિમેન્ટ્સમાં સ્પ્રિંગ-માસ સિસ્ટમનો સમાવેશ થાય છે જેમાં કોમ્બ જેવી રચના જેવું માળખું ઇલેક્ટ્રોડ્સ ધરાવે છે. બાહ્ય કંપનને કારણે સ્પ્રિંગમાં વિચલન કેપેસિટેન્સમાં ફેરફારમાં પરિણમે છે જે વોલ્ટેજ માં રૂપાંતરિત થાય છે.’
ચંદ્ર પર એક દિવસ અને રાત પૃથ્વી પરના ૧૪ દિવસ અને રાત બરાબર છે. રોવર અને લેન્ડરથી ઈસરોને જે પણ જાણકારી મળશે તે માત્ર ૧૪ દિવસો સુધી જ મળશે કારણકે ચંદ્રને માત્ર ૧૪ દિવસ સુધી જ પ્રકાશ મળશે. એટલે કે ૧ લૂનાર દિવસ પછી ત્યાં રાત થઈ જશે.લેન્ડર અને રોવર આ દિવસોમાં સંપૂર્ણ સક્રિયતાની સાથે ઈસરોને તમામ સૂચનાઓ મોકલશે. રોવર અને પ્રજ્ઞાન માત્ર પ્રકાશમાં જ કામ કરવા સક્ષમ હોય છે. તેથી રાત થયાંની સાથે જ તેઓ નિષ્ક્રિય થઈ જશે. જો કે રાત્રીનાં ૧૪ દિવસ પછી પણ જો રોવર અને પ્રજ્ઞાન સલામત છે તો આ ચંદ્ર મિશન ભારત માટે બોનસ સમય રહેશે.