વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં થયેલ ૨ દિવસીય બેઠકમાં કુલ ૩ મોટા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યાં છે જેની જાણકારી મીટિંગમાં જોડાયેલ અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓએ મીડિયાને આપી હતી.
૨૮ દળોવાળા વિપક્ષી ગઠબંધન INDIAની મુંબઈમાં ૨ દિવસીય બેઠક સમાપ્ત થઈ છે. શુક્રવારે મીટિંગનો દ્વિતીય દિવસ પૂર્ણ થયાં બાદ ગઠબંધનની તરફથી પ્રેસ કોન્ફેરેન્સ યોજવામાં આવી હતી જેમાં વિવિધ પાર્ટીઓનાં નેતાઓએ બેઠકમાં લેવામાં આવેલ વિવિધ નિર્ણયોની જાણકારી આપી હતી.
INDIA એલાયંસે ચંદ્રયાન-૩ ની સફળતા માટે ISROનાં વખાણ કરતો એક પ્રસ્તાવ શુક્રવારે પાસ કર્યો અને કહ્યું કે આ અંતરિક્ષ એજન્સીને બનાવવા, વિકસિત કરવા અને તેની ક્ષમતા નિર્માણમાં છ દશકાનો સમય લાગ્યો છે. ઈસરોની અસાધારણ ઉપલબ્ધિઓ, સમાજમાં વૈજ્ઞાનિકોની ચેતનાને મજબૂત કરશે અને યુવાનોને વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રરિત કરશે. ઈસરોનાં સફળ ચંદ્રયાન-૩ મિશન પર ઈન્ડિયા દ્વારા પારિત સંકલ્પમાં કહેવામાં આવ્યું કે દુનિયા આદિત્ય એલ1 મિશનનાં પ્રક્ષેપણની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે. અમે ઈન્ડિયાનાં ઘટક દળો ઈસરોની વર્તમાન અને પૂર્વ ટીમોને તેમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ માટે શુભેચ્છા પાઠવીએ છીએ કે જેમણે આપણાં દેશને ગૌરવાન્વિત કર્યું છે.
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કો-ઓર્ડિનેશન કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં કે.સી વેણુગોપાલ, શરદ પવાર, સ્ટાલિન, સંજય રાઉત, તેજસ્વી યાદવ, અભિષેક બેનર્જી, રાઘવ ચઢ્ઢા, જાવેદ ખાન, લલ્લનસિંહ, હેમંત સોરેન, ડી.રાજા, ઉમર અબદુલ્લા, મહબૂબા મુફ્તીને સ્થાન મળ્યું છે.
વિપક્ષી ગઠબંધન અલગ-અલગ ભાષાઓમાં ‘જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા’ની થીમ સાથે ચૂંટણીમાં ઊતરશે અને રણનીતિઓ બનાવશે. બેઠકમાં એ વાત પર પણ સહમતિ બની કે આવનારી લોકસભા ચૂંટણી માટે ૩૦ સપ્ટેમ્બર સુધી સીટોનાં તાલમેલનું કામ પૂર્ણ કરવામાં આવશે.
સંજય રાહુતે કહ્યું કે જે રીતે INDIAની મજબૂતી વધી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે ૨૦૨૪ માં ચૂંટણી અમે જ જીતશું. ઈન્ડિયાને હરાવવું મુશ્કેલ જ નહીં અશક્ય છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઈન્ડિયા મજબૂત થઈ રહ્યું છે. ઈન્ડિયાનાં વિરોધી દળમાં ભયનો માહોલ છે. આજની મીટિંગમાં સારી ચર્ચા થઈ અને કેટલીક સમિતિઓ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે આવનારી ચૂંટણીમાં સરમુખત્યારશાહી, ભ્રષ્ટાચાર વગેરે સામે લડશું. અમે પરિવારવાદની સામે લડશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે આજે સારી બેઠક થઈ. ઈન્ડિયાનું જીતવું જરૂરી છે. બેરોજગારી, મોંઘવારી બધાંનો મુદો છે. બેરોજગારી, મોંઘવારીથી કઈ રીતે લડવું.પીએમ મોદી ૧૦૦ રૂપિયા વધારે છે અને ૨ રૂપિયા ઓછા કરે છે. મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે પીએમ મોદી લોકોને ભ્રમિત કરી રહ્યાં છે. AAP નાં સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઈન્ડિયા એલાયંસ કોઈ ૨૬/૨૭ પાર્ટીઓનું નથી, ૧૪૦ કરોડ લોકોનું એલાયંસ છે. દેશનાં લોકો ૨૧ મી સદીનું ભારત બનાવવા માટે ભેગાં થઈ રહ્યાં છે.