એક દેશ એક ચૂંટણી’ માટેની સમિતિમાં સામેલ થવાનો અધીર રંજનનો ઈનકાર

કેન્દ્ર સરકારે શનિવારે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ શોધવા માટે ૮ સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી, કહ્યું – લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિન વ્યવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી એ એક દેશ એક ચૂંટણી માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ૮ સભ્યોની સમિતિમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને જાણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે શનિવારે દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતાઓ શોધવા માટે ૮ સભ્યોની સમિતિની જાહેરાત કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મને માહિતી મળી છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની સંભાવનાઓ શોધવા માટે એક હાઈ લેવલની સમિતિ બનાવાઈ છે જેમાં મને સ્થાન મળ્યું છે. મને આ સમિતિમાં કામ કરવામાં કોઈ વાંધો નથી પણ મને ડર છે કે આ એક દગો છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિન વ્યવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સરકાર દ્વારા અચાનક લેવાયેલો નિર્ણય સરકારના ગુપ્ત ઉદ્દેશ્યો વિશે ચિંતા વ્યક્ત કરે છે. આ ઉપરાંત ચૌધરીએ રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેને આ સમિતિને બહાર કરવા સામે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ પગલાને લોકતંત્રની પ્રણાલીનું અપમાન ગણાવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે  આ તમામ પરિસ્થિતિઓને કારણે મારી પાસે તમારા આમંત્રણને નકારવા ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *