સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ ઉગ્ર બન્યો

સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ, સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર.

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં.

સાળંપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર છે.

સાધુ-સંતોની બેઠકમાં સાધુ-સંતોએ શપથ લીધા

જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *