જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતું સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

જૂન-જુલાઈ મહિનામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી ઠેકઠેકાણે જગતના તાતે ખરીફ પાકની ઉત્સાહ-ઉમંગભેર વાવણી કરી હતી.  પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેમના પાકમાં ઈયળ પડવાથી તે બરબાદ થઈ રહ્યો છે. ચોમાસું અત્યારે તો ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહ્યું છે. જોકે, આવા અંધારિયા માહોલમાં આશાનું એક કિરણ દેખાયું હોય તેમ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે, આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે.

અલ નીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને ત્યારબાદ ફરી એક વાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકુળ હવામાન બન્યું છે. મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા અત્યારે તો લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને ગરમીની તીવ્રતા વધવાથી લોકોએ ફરી પંખા, કૂલર અને એસીનો આશરો લીધો છે.

હવામાન વિભાગની આગાહીમાંન દર્શાવ્યા મુજબ આજે અમદાવાદ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અને અમરેલી-ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *