સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોરોના સંક્રમિત થયા છે. આ વિશે માહિતી આપતા કહ્યું ‘હાલ મારી તબિયત સારી છે પણ હું જી-૨૦ સમિટ માટે દિલ્હી નહીં જઈ શકું.’
દિલ્હીમાં યોજાઈ રહેલી જી-૨૦ બેઠક પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાયડન કોરોનાથી સંક્રમિત થયા બાદ હવે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ કોવિડ પોઝિટિવ થઈ ગયા છે. નોંધનીય છે કે સાંચેઝ પહેલા જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવવાના હતા, પરંતુ હવે તેમના સ્થાને સ્પેનના ઉપરાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી આવશે.
સાંચેઝે પોતે આ વિશે માહિતી આપતા કહ્યું કે,’આજે બપોરે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું જી-૨૦ સમિટ માટે દિલ્હી જઈ શકીશ નહીં . હાલ મારી તબિયત સારી છે. જી-૨૦ સમિટમાં સ્પેનનું પ્રતિનિધિત્વ ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ નાદિયા કેલ્વિનો અને વિદેશ મંત્રી જોસ મેન્યુઅલ આલ્બેરેસ કરશે.’ જણાવી દઈએ કે આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ સમિટમાંથી હટી ગયા છે. તેના બદલે ચીન અને રશિયાના પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે.