ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે ટિકિટ વેચાણના આગામી તબક્કામાં ૪,૦૦,૦૦૦ ટિકિટો બહાર પાડશે. BCCIએ બુધવારે યજમાન રાજ્ય એસોસિએશનો સાથે ચર્ચા કર્યા બાદ બહુ-અપેક્ષિત ટુર્નામેન્ટ માટે લગભગ ૪,૦૦,૦૦૦ ટિકિટો જાહેર કરવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓ હવે વર્ષનો ક્રિકેટ મહાકુંભ જોવા માટે તેમની બેઠકો આરક્ષિત કરી શકે છે.” ચાહકોને તેમની ટિકિટ સુરક્ષિત રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, કારણ કે ઇવેન્ટમાં ભારે વૈશ્વિક રુચિને જોતાં ટિકિટોની માંગ વધુ હોવાની અપેક્ષા છે.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ ની તમામ મેચોની ટિકિટોનું સામાન્ય વેચાણ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ IST રાત્રે ૦૮:૦૦ વાગ્યે શરૂ થશે. ચાહકો સત્તાવાર ટિકિટિંગ વેબસાઇટ https://tickets.cricketworldcup.com પર જઈને ટિકિટ ખરીદી શકે છે. આગળના તબક્કે વધુ ટિકિટ વેચાણ અંગે ચાહકોને યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.
વર્લ્ડ કપની પ્રથમ મેચ ૫ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. હૈદરાબાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નાઈ, લખનૌ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા સહિત ભારતના નવ શહેરો વર્લ્ડ કપ મેચોની યજમાની કરશે. ૮ ઓક્ટોબરે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમશે જ્યારે વર્લ્ડ કપની ફાઈનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં રમાશે.