અમદાવાદ પોલીસ કમિશનરે માર્ગદર્શિકા બહાર પાડી પોલીસ અધિકારી/કર્મચારીઓને આપી કેટલીક સૂચનાઓ, જો કોઈ આ સૂચનાનો ભંગ કરશે તો તેઓની વિરુદ્ધ ભરાશે શિક્ષાત્મક પગલા.
અમદાવાદ પોલીસકર્મીઓના તોડકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ. આ સાથે જ પોલીસકર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે. હાઇકોર્ટના કડક આદેશ બાદ હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં પોલીસ કમિશનરે સૂચનાની કડક અમલવારી કરવા નિર્દેશ આપ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા રોડ ઉપર આવેલા પોઈન્ટ તેમજ ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં જવા અંગેના એસ.પી રિંગ રોડ, એસ.જી હાઈવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ ઉપર આવેલ પોલીસ પોઈન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવા અને વાહન ચેકિંગ દરમિયાન વિદેશ નાગરિકો/વિદેશ પ્રવાસથી આવેલા નાગરિકો સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રિફિંગ કરવું.
માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જોએ પો.સ્ટે ખાતે રોલ કોલ રાખી તમામ પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનો નાગરિકો સાથે સભ્ય વર્તન રાખે તે સારુ કડક સૂચના આપવી. સાથે જ નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો નિયત યુનિફોર્મમાં પોતાની નેઈમ પ્લેટ સાથે જ હોવા જોઈએ. તો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરાશે.
અમદાવાદ એરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી ૨ ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને ૬૦,૦૦૦ રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ હતું. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી ૨ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે.